Gujarat News :ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્ર થયેલા બનાસકાંઠાના યુવાને તેને બાઈક ઉપર કુડાસણની હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો
Gujarat News :ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં રહેતી યુવતી ગાંધીનગર સિવિલમાં ભાભીની ખબર જોવા માટે આવી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્ર થયેલા બનાસકાંઠાના યુવાને તેને બાઈક ઉપર કુડાસણની હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી રહી છે. જે મામલે ઇન્ફોસીટી પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના આધારે યુવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી યુવતીનું અપહરણ કરીને લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો બે દિવસ અગાઉ બહાર આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવતી અને તેના પરિવારજનોએ પિરિયડમાં હોવાથી તેણીના કપડા લોહીવાળા થયા હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે પોલીસ ત્યારબાદ પરત ફરી હતી પરંતુ હવે યુવતી દ્વારા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેની ભાભીની ખબર કાઢવા માટે ગઈ હતી.
દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપરથી મિત્ર થયેલો બનાસકાંઠાના યુવાન તેને મળવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યારબાદ તેણીને બાઈક ઉપર બહાર લઈ ગયો હતો. જ્યાંથી આ યુવાન તેણીને કુડાસણના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને શરૂઆતમાં વાતચીત કરીને બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ આ યુવાન તેણીને સિવિલ હોસ્પિટલમાં મૂકી નીકળી ગયો હતો. સમગ્ર મામલે યુવતી સાથે કડકાઈથી પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી.આ અંગે ઇન્ફોસિટી પોલીસ દ્વારા બનાસકાંઠાના પાલનપુરના વિક્રમ એણાજી ચૌધરી સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.