Gir Somnath News :પોલીસ તરીકેના પદનો દુરુપયોગ કરી અબળા મહિલાની આબરૂ લૂંટતા 02 પોલીસ કર્મી સહિત 04 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુન્હો
Gir Somnath News :તોડકાંડમાં બદનામ થયેલ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે અને ગીર સોમનાથ પોલીસમાં રહેલા અસંખ્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કારણે છાસવારે શર્મસાર થતો ગીર સોમનાથ જિલ્લો આજે ફરી વધુ એક વાર શર્મસાર થયો છે. ઉના પોલીસ સ્ટેશન ASP સમક્ષ પીડિત મહિલાએ કરેલ ફરિયાદ મુજબ પોતાના પતિ દેશી દારૂનો ધંધો કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું.

Gir Somnath News :આ મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી
પરંતુ પોતાના પતિનું મૃત્યુ થતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી. ત્યારે સલીમ મકરાણી અને મોહન મકવાણા નામના બે પોલીસ હેડ કોન્સ્ટેબલઓ એ હપ્તો બાંધવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી. હપ્તો નક્કી કર્યા મુજબ મહિલા તેમને રૂપિયા ચૂકવતી હતી.
ત્યારબાદ આ પોલીસમેનો જેમાં સલીમ મકરાણી તેમજ મોહન મકવાણા આ મહિલાની નજીક પરિચયમાં આવ્યા અને મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેમના પર દુષ્કર્મ કરતાં હતા. સલીમ અને મોહન બાદ અન્ય બે વ્યક્તિ જેમાં “હનીફ શાહમદાર “હોમગાર્ડ” અને પરેશ સિંગોડ પણ પોલીસ સાથે પીડિત મહિલાના પરિચયમાં આવતા તેઓએ પણ અલગ અલગ જગ્યાએ આ મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનૂ મહિલાએ રૂબરૂ ઉના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું.
ભ્રષ્ટાચારથી વગોવાયેલ ગીર સોમનાથ પોલીસને આજે અમુક કર્મચારીઓની નિમ્ન કક્ષાની હરકતથી વધુ ધૃણાસ્પદ સ્થિતિમાં મૂકી દેતા આ ચકચારી બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર ગઢડા પંથકની એક 27 વર્ષીય વિધવા મહિલા તારીખ 14 ના સાંજે ઉના એ.એસ.પીને એક ફરિયાદ અરજી આપવા રૂબરૂ આવ્યા હતા અને આ ફરિયાદ અરજીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું શારીરિક શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો.
Gir Somnath News :અરજી પીડિતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી
આ ફરિયાદ અરજી પીડિતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તુરંત જ એક્શન મોડ માં આવી અને વેરાવળ ખાતે વીઆઈપી બંદોબસ્તમાં રહેલ એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલને તાત્કાલિક ઉના પહોંચી આ બનાવની તલસ્પર્શી તપાસ કરી અને જે કોઈ જવાબદારો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી માટેના આદેશો કરવામાં આવ્યા હતા.
જે અનુસંધાને એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે ફરિયાદી મહિલાનો ઓન કેમેરા નિવેદન નોંધ્યું હતું અને નિવેદનના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 376 અને 354 મુજબ એફ.આર.આઇ નોંધવામાં આવી છે.
જેમાં જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર માં પોલીસ હેડ કોન્સ્ટેબલ નોકરી કરતા અને ગીરગઢડાના નવાપરા વિસ્તારમાં રહેતા સલીમભાઇ દોસ્તમહમદભાઇ બ્લોચ-મકરાણી ફરીયાદીને ફોન ઉપર વોટ્સઅપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માંગણી કરી ફરીયાદીને ઇચ્છા વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી તેમજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહનભાઇ નારણભાઇ મકવાણા રહે. સોનારી ગામ તેમજ ઉના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હનીફભાઇ સતારભાઇ શાહમદાર રહે. ઉના કોર્ટ વિસ્તાર ઉપરાંત પોલીસની ખોટી ઓળખ આપતા ઉનાના કેસરિયા ગામના પરેશભાઇ ભીમાભાઇ શીંગોડ વિરુદ્ધ ગુન્હો નોંધી ચારેય આરોપીઓને રાત્રી ના જ રાઉન્ડ અપ કરી લેવાયા છે.
પોલીસ કર્મચારીએ પણ શારીરિક શોષણ કર્યાનું જણાવ્યું
આ બનાવમાં પ્રથમ મહિલાએ આપેલ ફરિયાદ અરજીમાં કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીએ પણ શારીરિક શોષણ કર્યાનું જણાવ્યું હતું પરંતુ પીડિતાને જ્યારે આ પોલીસ કર્મચારીનો ફોટો બતાવ્યો તો તેણી એ ઇનકાર કર્યો હતો કે આ વ્યક્તિ નથી અને આમને ઓળખતી પણ નથી. પરંતુ પીડિતાના મોબાઈલમાં જેનો ફોટો હતો જેને પોલીસ કર્મચારી સમજતી હતી તે કેસરિયા ગામનો આરોપી પરેશ ભીમા શીંગોડ હતો જે પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપી મહિલા નું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે જેથી વધુ પુરાવા મલયે આરોપી પરેશ શીંગોડ વિરુદ્ધ અલગથી પણ વધુ એક ગુન્હો નોંધવામાં આવશે.