Gandhinagar News :લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે
Gandhinagar News :લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારી (Government employees)ઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે. ગાંધીનગર (Gandhinagar)માં સત્યાગ્રહ છાવણીમાં આજે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ વિરોધ પ્રદર્શનને કારણે સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના સહિતની માંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કારણકે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.
રાજ્યના સરકારી કર્મચારીઓ પણ ગુજરાતમાં ફરીથી જુની પેન્શન યોજના (Old Pension Scheme) શરુ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ માંગણી મુદ્દે ધરણા પર ઉતર્યા છે. કર્મચારીઓ આજે ત્રણ વાગ્યા સુધી ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 16મી સપ્ટેમ્બરે સરકાર સાથેની બેઠકમાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર ઉગ્ર વિરોધ શરુ કર્યો છે. હાલ સત્યાગ્રહ છાવણીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કર્મચારીઓએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી
રાજયની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. જુની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામા આવી રહી છે. અગાઉ અધ્યાપકો-શિક્ષકો દ્વારા 14મી અને 16મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી.