દોલારાણા વાસણા ગામે પુત્ર-માતા પર હુમલો
દિકરા પર હુમલાના બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી માતાને પણ આરોપીએ લાફા ચોડી દીધાં
ગાંધીનગર : ગાંધીનગરના દોલારાણા વાસણા ગામે ઘર પાસે રીક્ષા પાર્ક કરવાના મુદ્દે ચાલક યુવાન પર હુમલો કરીને ચપ્પાના ઘા મારી દેવાની સાથે દંડાથી માર મારવામાં આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન દિકરા પર ચપ્પાથી હુમલો થયો હોવાનું જાણવામાં આવતાં સ્થળ પર દોડી આવેલી ચિંતાતુર માતાને પણ આરોપીઓ લાફા મારી દીધા હતાં. આ બનાવ અંગે ગુનો નોંધીને ચિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યાં પ્રમાણે દોલારાણા વાસણા ગામે રહેતો રીક્ષાચાલક હિંમતભાઇ બાબુભાઇ ચૌહાણ કામસર ગામમાં જ રહેતા મંગાજી સોમાજી ઠાકોરના ઘરે ગયો હતો અને તેના ઘર પાસે રીક્ષા પાર્ક કરી હતી. દરમિયાન ત્યાંથી નીકળેલા મુકેશ મોહનજી ઠાકોરે અહીં રીક્ષા કેમ મુકી છે, તેમ કહીને બોલાચાલી કરીને જાતિ વિષયક અપશબ્દો બોલ્યો હતો. ગાળો દેવાની હિંમતે ના પાડતાં મુકેશે તેના પર દંડાથી હુમલો કર્યો હતો. દરમિયાન પિન્ટુ ઠાકોર નામના શખ્સે હિંમતને પકડી રાખ્યો હતો અને મુકેશે ચપ્પા જેવા હથિયારના ઘા મારી દેતા આંખ નીચે ઇજા થિ હતી. દરમિયાન ગામના રહેવાસી ચમનભાઇ રાવળે વચ્ચે પડીને હિંમતને છોડાવ્યો હતો. બાદમાં તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી બાજુ દિકરા પર હુમલો થયાનું જાણાને હિંમતની માતા મંગુબેન સ્થળ પર પહોંચી ત્યારે મુકેશે તેને પણ લાફા મારી દીધા હતાં.