Dholka News :ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી, 6 ઈસમોને રૂ. 4500 ની રોકડ રકમ સાથે પકડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા
Dholka News :ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી. 6 ઈસમોને રૂ. 4500 ની રોકડ રકમ સાથે પકડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અચાનક એક આરોપી હબીબહુસેન મલેકને છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મરણ ગયાનું જાહેર કરેલ. આ બનાવની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ સહિતનાં અનેક લોકો પાશ્વનાથ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.
ત્યારે ધોળકાનાં Dysp પ્રકાશ પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. દરમિયાન હબીબહુસેન મલેકના મૃતદેહને ધોળકા સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં લોકોના ટોળાં ધોળકા સરકારી દવાખાનામાં ઉમટી પડ્યા હતા. જેને લઈને અહીં પોલીસનો ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા જોતા અમદાવાદ (ગ્રામ્ય ) નાં ઇન્ચાર્જ SP મેઘા તેવાર પણ ધોળકા દોડી આવ્યા હતા અને માહિતી મેળવી સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
ધોળકાના Dysp પ્રકાશ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે SDM ની હાજરીમા ઈંકવેસ્ટ પંચનામાની કાર્યવાહી તથા પેનલ ડોક્ટરથી પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી હાથ ધરાશે. દરમિયાન મૃતકનાં ભાઈ યાકુબે મીડિયાને જણાવ્યું હતું કે જુગાર અંગે પોલીસ મારા ભાઈને પકડી ગઈ હતી. તેના અર્ધા કલાક બાદ મને જાણવા મળ્યું હતું કે મારા ભાઈ હબીબની ડેડ બોડી પાશ્વનાથ હોસ્પિટલમાં છે. દરમિયાન મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા મૃતક હબીબહુસેન મલેકના મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.