Dholka News :ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસનાં રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા
Dholka News :અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરી વાળા મેઈન રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરોનાં ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસનાં રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વગર ચોમાસે આ જાહેર માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ હોય છે. રાહદારીઓ અને વાહચાલકોને ગટરનાં ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. ગટરના પાણીનાં કારણે અહીં ગંદકી ફેલાઈ છે.

મચ્છરોનો ઉપદ્રવ થયો છે. રોગચાળો ફાટવાની સંભાવના છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે ધોળકા નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં આ ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. આ વિસ્તારમાં તમામ ગટરોની યુદ્ધના ધોરણે સફાઈ કરાવી ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.