આરોપી હાથમાં પાવડો લઇ ગામમાં ફરવા દરમિયાન ઝગડા કરતો હોવાથી મૃતકે કરેલા સમજાવટના પ્રયાસ મોતનું કારણ બની ગયાં
Gandhinagar : ગાંધીનગરના જાખોરા ગામે ગુરુવારે સવારે બનેલા બનાવમાં ગામમાં પાવડો લઇને ફરવા સાથે ઝગડા કરી રહેલા કુટુંબી યુવાને તેને સમજાવવા ગયેલા બે પોલીસમેનના પિતા અને નિવૃત સીઆઇએસએફ જવાન એવા વૃદ્ધને માથામાં પાવડાના ઘા મારી દીધા હતાં. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. આ વિષયમાં પોલીસની પુત્રની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધીને ચિલોડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
જાખોરા ગામે મહાકાલી વાસમાં રહેતા નિવૃત બાદરજી ગમીરજી નામના ૬૭ વર્ષીય ઠાકોર વૃદ્ધનું મૃત્યુ થયુ હતું. જ્યારે ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં હથિયારી પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી કરતાં તેના પુત્ર મુકેશજી દ્વારા ખુન સંબંધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા સંજય પ્રતાપજી ઠાકોરને દર્શાવવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે મુકેશજી ગુરૂવારે સવારે નોકરી પર હાજર હતાં અને ફરજનો સમય પુરો થવાથી ઘરે જવાની તૈયારીમાં હતાં દરમિયાન તેના કુટુંબી બિપીનભાઇએ ફોન કરીને જણાવ્યુ હતું કે તેના પિતા બાદરજીને ગામના રહેવાસી સંજય પ્રતાપજીએ માથામાં પાવડો મારી દેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવતા હોવાથી સીધા હોસ્પિટલ પર આવે. જેના પગલે મુકેશજી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાદરજીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડયા હતાં. પરંતુ સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ હતું. ત્યારે નોંધવું રહેશે, કે મુકેશજી અને તેનો નાનો ભાઇ મહેશજી પણ પોલીસમાં નોકરી કરે છે. તેઓ પિતા બાદરજી અને માતા જશુબેન સાથે જાખોરા ગામે રહેતા હતાં.