Bhavnagar News :ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના જુગારના અડ્ડા પરથી રોકડ રૂપિયા 21,600 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે
Bhavnagar News :આપણે પુરુષો દ્વારા ગેરકાયદેસર જુગાર રમવાની પ્રવૃતિ અને ત્યાર બાદ પોલીસના હાથે ઝડપાવાની અનેક ઘટનાઓ સાંભળી છે. કંઈ કેટલાય પરુષો જુગાર રમવાની લતના કારણે પોતાની પત્ની અને બાળકીને બર્બાદ કરવાના આપણી સામે અનેક કિસ્સા સામે આવ્યા છે. ઘણી બધી મહિલાઓ ફરિયાદ પણ કરતી હોય છે કે તેના પતિની જુગાર રમવાની ટેવને કારણે ઘર બર્બાદ થઈ ગયુ છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ તેના કારણે બગડી છે. પરંતુ તમે ક્યાંય સાંભળ્યું કે જોયું છે કે મહિલાઓ કોઈ જગ્યા પર જુગાર રમતી હોય? મોટા ભાગે આવી ઘટના નહીં જ સાંભળી હોય.

તો આપને જણાવી દઈએ કે ભાવનગરમાં મહિલાઓનો જુગાર રમવાનો અડ્ડો ઝડપાયો છે. નવાઈની વાત એ છે મોટા ભાગની તમામ મહિલાઓ પરણિત છે. જી હા, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગંજીપત્તાના પાના-પૈસાથી હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતી 8 મહિલાઓને ઝડપી લીધી છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુત કરવા ભાવનગર પોલીસ સક્રિય બની છે. ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના જુગારના અડ્ડા પરથી રોકડ રૂપિયા 21,600 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
તારીખ ૧૭/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, ખેડુતવાસ, રૂવાપરી રોડ, બાલા હનુમાન મંદિરવાળા ખાંચામાં જાહેર જગ્યામાં અમુક મહિલાઓ ભેગી થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હાર-જીતનો જુગાર રમતા હોવાની માહિતી આધારે રેડ કરી હતી. રેડ દરમ્યાન મહિલાઓ ગંજીપત્તાના પાના-પૈસાથી હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે. ઉજીબેન, વસંતબેન, હંસાબેન, સોનીબેન, જીવુબેન, શારદાબેન, રેખાબેન, શારદાબેન સોલંકી નામની મહિલાઓ ઝડપાઈ છે.