Bharuch double murder case: ભરૂચ જંગાર ગામે મર્ડરની ઘટના સામે આવી, ઘાતક હથિયાર વડે હુમલો કરી ઇસમને મોતને ઘાટ ઉતાર્યો
Bharuch double murder case: ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે કેટલાક લોકોએ મળી એક ઇસમ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગળાના ભાગે ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવતા ઇસમનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે નવીનગરીમાં રહેતા કેટલાક લોકોએ ગામનાજ 35 વર્ષીય સુહેલ મોહંમદ દિલીપ ઉર્ફે ( સુલતાન ) નામના ઇસમ ઉપર કોઈક અગમ્ય કારણોસર ઘાતક હથિયાર વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ ઇસમનું ઘટના સ્થળેજ તડપી તડપીને મોત નિપજ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઘટનાની જાણ થતાંજ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મર્ડર થયા પાછળનું કારણ હજી અકબંધ રહ્યું છે. સૂત્રો થકી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગામનાજ કેટલાક લોકોએ એક સંપ થઈ જીવલેણ હુમલો કરી 35 વર્ષીય ઇસમને મોતને ઘાટ ઉતારી હત્યા નિપજાવનાર તત્વો હાલ સ્થળ છોડી ફરાર થઇ ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ જંગાર ગામમાં મર્ડર ની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.