Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના થરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે
Banaskantha News :રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. થરા પરાગ પેટ્રોલ પંપ પાસે કોલસા ભરીને જતી ટ્રક બેકાબુ બની હતી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નેશનલ હાઇવે નંબર 27 પર ગઈ તારીખ ૧૭/૦૩/૨૦૨૪ ના રાત્રીના સમયે કંડલા કચ્છ તરફથી કોલસા ભરીને બીયાવર રાજસ્થાન જઈ રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
કાબુ ગુમાવતા ટ્રક ડીવાઈડરની રોંગ સાઈડમાં રોડની લોખંડની જાળી તોડી પરાગ પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડની સાઈડમાં માટીના માટલાં વેચતા વેપારી પાસે ઘૂસી ગઈ હતી. પ્રજાપતિ હેમાભાઇ રૂપાભાઈ પોતે પોતાના કુટુંબ સાથે માટીના માટલા બનાવીને વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ અચાનક જ બેકાબુ ટ્રક દ્વારા માટીના માટલાઓના કૂર્ચે કુર્ચા કરી દીધા હતા. હેમાભાઇના ઘર પાસે માટીના ઢગલા પર આવી ટ્રક અટકી ગઈ હતી. આ ઘટનામાં માટલાં વેચતા પ્રજાપતિ પરિવારને મોટુ નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનામાં પ્રજાપતિ પરિવાર બચી જતાં કુદરતનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
સદ નસીબે રોંગ સાઈડમાં કે સર્વિસ રોડ પર કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઇ રહી ન હતી. જેથી મોટી જાનહાની ટળી હતી. આ ઘટનક્રમ જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે કેમ લોકો ઓવર સ્પિડમાં વાહન ચલાવે છે? લોકો પોતાની ઝડપની મજામાં કેમ લોકોના જીવ જોખમમાં મૂકે છે?