રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે.
- પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજે અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે
- વૈદિક પરંપરા અનુસાર આ પૂજા શું છે અને શા માટે કરવામાં આવે છે?
- રામ ભગવાને બ્રહ્મ હત્યાના દોષ પ્રાયશ્ચિત માટે ભગવાન શિવની પૂજા કરી હતી
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ શુભ દિવસે રામ મંદિરમાં રામલલાની મૂર્તિ વિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજે અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી, જે સવારે 9.30 વાગ્યે શરૂ થઈ અને 5 કલાક સુધી ચાલશે. વૈદિક પરંપરા અનુસાર આ પૂજા શું છે અને શા માટે કરવામાં આવે છે ચાલો તેના વિશે જાણીએ..
પ્રાયશ્ચિત પૂજા શું છે?
સનાતન ધર્મના ગ્રંથો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ જાણતા-અજાણતા કોઈ ભૂલ કરે છે ત્યારે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે રાવણનો વધ કર્યા પછી બ્રહ્મ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન રામે રામેશ્વરમમાં ભગવાન શિવની પૂજા કરી હતી. તે સમયે માતા સીતા પણ તેમની સાથે હતા. સનાતન ધર્મની માન્યતા અનુસાર જો કોઈ ભૂલને કારણે કોઈ જીવનું મૃત્યુ થઈ જાય છે તો તેના માટે પ્રાયશ્ચિત પૂજાની વિધિ છે. આ પૂજામાં નવગ્રહ સહિત તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, પૂજા સમાપ્ત થયા પછી હવન કરવામાં આવે છે.
પ્રાયશ્ચિત પૂજા કોણ કરે છે?
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અનુષ્ઠાન કે યજ્ઞ કરવાની પરંપરા છે. કોઈપણ ધાર્મિક વિધિ કે યજ્ઞ કે પૂજામાં ફક્ત યજમાન જ બેસે છે. તેથી જ યજમાનને પ્રાયશ્ચિત પૂજા કરવાની હોય છે. પંડિતો આમાં માત્ર માધ્યમ છે, જેઓ મંત્રોચ્ચાર કરે છે. જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને પ્રાણ પ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે.