Anand News :ખંભાત શહેરના અકબરપુર લીમડા શેરી મદારનગરમાં આણંદ એસઓજી પોલીસે છાપો મારી ૩.૫૧૫ કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્શને ઝડપી પાડયો હતો
Anand News :ખંભાત શહેરના અકબરપુર લીમડા શેરી મદારનગરમાં આણંદ એસઓજી પોલીસે છાપો મારી ૩.૫૧૫ કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્શને ઝડપી પાડયો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે લઈ ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ખંભાતના અકબરપુર ખાતે લીમડી શેરી નજીક મદારનગરમાં રહેતો સિંકદરભાઈ ઉર્ફે બાદશાહ ઉર્ફે સિકો ડોન ફિરોજભાઈ મલેક પોતાના ઘર આગળ બનાવેલા પતરાંના શેડવાળા છાપરામાં ગાંજાનું છુટક વેચાણ કરતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી એસઓજીની ટીમે સોમવારે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા સિંકદર ઉર્ફે બાદશાહ ઉર્ફે સિકો ડોન સ્થળ પરથી મળી આવ્યો હતો.
પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજીએ એફએસએલની ટીમને જાણ કરતા ટીમ નાર્કો કીટ સાથે ખંભાત ખાતે પહોંચી હતી અને પદાર્થનું પૃથ્થકરણ કરતા તે ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે ગાંજાનું વજન કરતા તે ૩.૫૧૫ કિલોગ્રામ જેટલું થયું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૩૫,૧૫૦ જેટલી થવા જાય છે.
પોલીસે નશીલા ગાંજાનો જથ્થો તેમજ શખ્શની અંગજડતીમાંથી મળી આવેલા રોકડા રૂ.૪૪૦ મળી કુલ રૂ.૩૫,૬૯૦નો મુદ્દામાલ કબ્જે લઈ પુછપરછ કરતા ગાંજાનો જથ્થો તે સુરત તરફથી લાવ્યો હોવાનું અને છુટક વેચાણ કરી રહ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે સિંકદર ઉર્ફે બાદશાહ વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.