Ahmedabad News :અમદાવાદ શહેરમાં પણ વ્યાજખોરોના ત્રાસથી યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે
Ahmedabad News :વ્યાજખોરોના ત્રાસથી ઘણા બધા લોકો દ્વારા અંતિમ પગલુ ભરવાની ઘટના રાજ્યમાં વધી હતી અને વર્તમાન સમયમાં પણ થઈ રહી છે. જેને લઈને રાજ્યના ગૃહમંત્રીએ પણ ભુતકાળમાં પોલીસ વિભાગને વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તેથી ગુજરાત પોલીસે ઠેર-ઠેર લોકોની સભા ભરી વ્યાજખોરો વિરુદ્ધના કાયદા અંગે લોકોને જાણકારી આપી હતી અને લોકોને વ્યાજખોરો હેરાન કરે તો તુરંત જ પોલીસને જાણ કરવા કહ્યું હતું. પોલીસે ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. પરંતુ તેમ છતા વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
Ahmedabad News :ત્યારે અમદાવાદ શહેરમાં પણ વ્યાજખોરોના ત્રાસથી યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વિવેકાનંદનગર ગેરતપૂર વિસ્તારમાં રહેતા અખિલેશ માથુરે તુલસી જ્વેલર્સ સોનીની દુકાન ધરાવતા સોની ભરત માળી પાસે ગેરેજના ધંધા માટે 2 વર્ષ પહેલા 1 ચેઈન, 5 વિંટી ગિરવે રાખી પૈસા લીધા હતા. જે પૈસા તેમણે 5 મહિનામાં પરત કરી દીધા હતા. એ સમયે સોની ભરત માળીએ તેમને 2 વિંટી પરત કરી હતી અને બાકીના દાગીના પછી આપુ તેમ કહી દોઢ વર્ષ સુધી પરત કર્યા ન હતા. પીડિતે વારંવાર સોની ભરત માળી પાસે દાગીના માંગતા તે અવારનવાર નવા નવા બહાના કાઢી બેસાડી રાખતો હતો.
ત્યાર બાદ પીડિતના પરીવાર વાળાએ પણ ઘણી વાર પૂછતા તેમને વ્યાજખોર ભરત માળી બહાના આપતો હતો. પીડિત અખિલેશભાઈએ તેમના મિત્રોને જાણ કરતા તેમણે પણ સોનીને દાગીના પરત કરવા કીધું હતું. ભરત માળી તેમને પણ અવાર-નવાર બહાના આપી વાત ટાળતો હતો. જેથી અખિલેશ માથુરને પોતાના કિંમતી દાગીના મેળવવાનો બીજો કોઈ રસ્તો ન મળતાં તેમણે કંટાળીને ઝેરી દવા પીને જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેથી અખિલેશ માથુરને ગંભીર હાલતમાં 108 મારફતે એલ જી. હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં તુલસી જ્વેલર્સ સોનીની દુકાન ધરાવતા ભરત માળી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી અને ન્યાયની માંગ કરી છે. પોલીસે ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.