Ahmedabad News :અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અને સોસાયટીના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે
Ahmedabad News :અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અને સોસાયટીના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બોપલના ભવ્ય પાર્કમાં આવેલ ઝાંઝર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક મહિનાથી પડોશીઓ વચ્ચે રકઝક ચાલી રહી હતી. આ કિસ્સામાં ફરિયાદી દિવ્યાબેને બોપલ પોલીસને કોલ કર્યો અને ઊંચા અવાજે ઉગ્રતાથી વાત કરી હતી, જેથી ઉશ્કેરાયેલા પોલીસકર્મીએ પણ ગેરવર્તન કર્યું અને ગાળો આપી હતી.
Ahmedabad News :જેને લઈને ફરિયાદી દિવ્યાબેને તેના પડોશીની સાથે સાથે પોલીસકર્મી સામે પણ ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરતા દિવ્યાબેનના માતા-પિતા જ છૂટાહાથની મારામારી કરતા હતા. તેમજ માતા તાંત્રિક વિધિ કરતા હોવાનું સામે આવ્યું છે. દિવ્યાબેનના માતા-પિતા વચ્ચે થયેલી છૂટાહાથની મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે.
પોલીસકર્મીનો ઓડિયો વાઇરલ થયા બાદ ઘટનાની પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૂળ ઝઘડો ફરિયાદી દિવ્યાબેનના માતા-પિતાનો હતો. દિવ્યાબેનના માતા ગીતાબેન અને પિતા હરજીભાઈ વચ્ચે પાછલા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. હરજીભાઈને શંકા હતી કે, તેમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ ઘરે આવે છે.
જેથી સોસાયટીના ચેરમેન ઉત્કર્ષ બારોટ પાસે તેમણે લોબીના સીસીટીવીની માગણી કરી હતી. જોકે, વ્યક્તિગત પ્રાઇવેસીની વાત હોવાથી ઉત્કર્ષભાઈએ સીસીટીવી ફૂટેજ આપ્યા નહોતા. 17 માર્ચે લોબીમાં જ ગીતાબેન અને હરજીભાઈ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેથી ઉત્કર્ષભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતાં. આ દરમિયાન માતા ગીતાબેન અને દીકરી દિવ્યાબેને ઉત્કર્ષભાઈ સામે ઝઘડો શરૂ કર્યો હતો.
ઝઘડો ચાલુ હતો ત્યારે દિવ્યાબેને બોપલ પોલીસ સ્ટેશનમાં વારંવાર કોલ કરી રહ્યા હતા. જેથી કંટાળેલા પોલીસકર્મીએ દિવ્યાબેનના ઉગ્ર સ્વભાવના કારણે પિત્તો ગુમાવ્યો અને ગાળનો ઉલ્લેખ કર્યો હતો. જેથી ફરિયાદી દિવ્યાબેને ગાળ બોલનાર રાજેશ ગઢવી અને સોસાયટીના ચેરમેન ઉત્કર્ષ બારોટ સામે પણ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસ સામે ગેરવર્તન અને ચેરમેન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની તપાસ કરતા પોલીસને એ હકિકત જાણવા મળી કે, ફરિયાદી દિવ્યાબેનના માતા ગીતાબેન ચેરમેનના ઘરના દરવાજા આગળ તાંત્રિક વિધિ પણ કરતા અને કંકુ છાંટતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગીતાબેન અને તેમના પતિ વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ મારામારી દરમિયાન સોસાયટીના ચેરમેન વચ્ચે ઝઘડો કરવા પ્રયાસ કરી રહ્યા હતા. જેથી તેમને અને તેમની પત્નીને પણ ગાળો બોલીને ધમકી આપવામાં આવી હતી. જેથી સોસાયટીના ચેરમેનના પત્ની દ્વારા ક્રોસ ફરિયાદ દિવ્યાબેન, ગીતાબેન અને એમના પતિ હરજીભાઈ સામે પણ કરવામાં આવી છે. પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી ગેરવર્તનની પણ ગંભીર નોંધ લઈને ખાતાકીય તપાસ કરવાની વાત કહી છે.