Ahmedabad Crime News :અમદાવાદ શહેરમાં તૈયાર થયેલા અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર વેપારી ભરત મેવાડા સાથે આરોપીએ છેતરપિંડી કરતા આરોપીની EOWએ ધરપકડ કરી છે
Ahmedabad Crime News :અમદાવાદના વેપારીની મિલકત પર રૂ 5.90 કરોડની લોન કૌભાંડ કેસમાં EOWએ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મિલકતના ખોટા ડોક્યુમનેટ બનાવીને લોન મેળવી હતી. આ કૌભાંડમાં આરોપીની માતા અને મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરૂ કરી.

5.90 કરોડની લોન લઈને ઠગાઈ કરી
Ahmedabad Crime News :આરોપી પિયુષ ગોંડલીયા છે. જેણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાંથી 5.90 કરોડની લોન લઈને ઠગાઈ કરી છે. અમદાવાદ શહેરમાં તૈયાર થયેલા અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર વેપારી ભરત મેવાડા સાથે આરોપીએ છેતરપિંડી કરતા EOWએ ધરપકડ કરી છે. 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં વેપારી ભરત મેવાડા એ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં આશ્રમ રોડ પર સ્થિત જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા 5.90 કરોડની લોન ઉઠાવી લેવામાં આવી હતી. આ મામલે EOWએ તપાસ કરતા આરોપી પિયુષ ગોંડલીયા તેની માતા મુકતાબેન ગોંડલીયા અને નિલેશ પટેલનું નામ ખુલ્યું હતું. આ ઠગાઈ કેસમાં પોલીસે પીયૂષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મોર્ગેઝ મિલકત ચેક કરવા આવતા કૌભાંડનો પર્દાફાશ થયો
Ahmedabad Crime News :પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કરોડોના લોન કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિલેશ પટેલ છે. પિયુષ ગોંડલીયાએ મકાન ખરીદ્યું હતું. જેના લોનના હપ્તા ચઢી જતા તેને વધુ એક લોન લેવી હતી. તેને પોતાના મિત્ર નિલેશ પટેલને લોન માટેની વાત કરી હતી. જેથી નિલેશએ આશ્રમ રોડની મિલકતના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. અને પિયુષ ગોંડલીયાના નામથી મહારાષ્ટ્રના ગોરેગાવમાં વિબગ્યોર એન્ટરપ્રાઈઝ કંપની રજીસ્ટર કરાવી હતી.
અને એ કંપનીના નામે મિલકતના ખોટા ડોક્યુમેન્ટ દ્વારા બેન્ક ઓફ મહારાષ્ટ્રમાંથી 4.50 કરોડની ટર્મ લોન તથા 15 લાખની સીસી લોન મેળવી હતી. ત્યાર બાદ 1.25 કરોડની વધુ એક લોન લઈને કુલ 5.90 કરોડની લોન લીધી હતી. જેમાંથી 5 કરોડ 64 હજાર ભરવાના બાકી હોવાથી બેંકના કર્મચારીઓ મોર્ગેઝ મિલકત ચેક કરવા આવતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
તપાસમાં શું ખુલ્યુ ?
EOWની તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડમાં ખોટા શેર સર્ટિફિકેટમાં પિયુષની માતાની સહી કરાવી હતી. નિલેશ પિયુષ અને તેની માતાને સહી કરવા માટે મુંબઈ પણ લઈ ગયો હતો. લોન મંજૂર થયા બાદ મોટાભાગની રકમ માસ્ટર માઈન્ડ નિલેશ જ પોતાની પાસે રાખી લીધી હતી, કારણ કે જે નામની કંપની બનાવીને લોન લેવાઈ હતી. તે અંગે પિયુષ અજાણ હતો. નિલેશએ રૂ 5.90 કરોડની રકમ માંથી માત્ર 22 લાખ જ પીયૂષને આપ્યા હતા.
અગાઉ પણ આ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈને લઈને નોંધાયેલી 2 ફરિયાદમાં નિલેશનું નામ ખુલ્યું હતું. તેને એક જાણીતા બિલ્ડર સાથે પણ ઠગાઈ કરી હતી. હાલમાં EOW ફરાર નિલેશ અને પીયૂષની માતાની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.