Ahmedabad breaking crime news : શાહપુર ફાર્મ હાઉસમાં 10 લાખ રોકડા અને દાગીના મળીને 38 લાખની ચોરી
Ahmedabad breaking crime news : તસ્કરો બેફામ બન્યાઃપોલીસને ખુલ્લો પડકાર
બિલ્ડર સોમનાથ ગયાને તસ્કરોએ બંગલામાં ખાતર પાડયું : ડભોડા પોલીસે તપાસ આદરી
ગાંધીનગર : રાજ્યમાં સબ સલામતના દાવા કરતી રાજ્ય સરકારની પોલ તસ્કરો ખોલી રહ્યા છે. ગાંધીનગરમાં મંદિરો અને ગામડે આવેલા ફાર્મ હાઉસ પણ સલામત રહ્યા નથી શાહપુર ગામના ફાર્મ હાઉસના બંગલામાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોનાના દાગીના ઉપરાંત ૧૦ લાખ રોકડા સહિત કુલ ૩૮ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા છે. આ બાબતે ફાર્મહાઉસના માલિક બિલ્ડરે ડભોડા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા ચોર ટોળકીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ગાંધીનગરના શાહપુર ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં વિધાતા બંગલોમાં રહેતા બિલ્ડર રજનીકાંત રતિલાલ પટેલ પત્ની રશ્મિબેનનું હાર્ટ એટેકનાં કારણે અવસાન થતા સ્વર્ગસ્થ પત્નીના અસ્થિ વિસર્જન માટે રજનીકાંતભાઈ પરિવારના સભ્યો સાથે સોમનાથ ત્રિવેણી સંગમ જવા ગયા હતા.પત્નીના અસ્થિ વિસર્જનની ક્રિયા પૂર્ણ કરીને રજનીકાંતભાઇ અને પરિવારના અન્ય સભ્યો પરત આવવા માટે નિકળ્યા હતા.
ત્યારે તેમની દીકરી અને જમાઈ વહેલા ઘરે પહોંચી ગયા હતા. એ વખતે તેમણેે ઘરના પ્રથમ માળે અગાસીનો દરવાજો ખુલ્લો તેમજ બેડરૃમના દરવાજાનો નકુચો તુટેલ જોયો હતો જે અંગે રજનીકાંતભાઇને જણ કરી હતી.આથી બેડરૃમમાં જઈને જોતા તિજોરી પણ ખુલ્લી જોઇ હતી તથા અંદર સામાન વેરવિખેર પડયો હતો. બાદમાં તપાસ કરતા તિજોરીમાંથી ૧૦ લાખ રોકડા, ૧૫ લાખના ડાયમંડના સેટ, સોનાની વિંટી અને અન્ય દાગીના મળીને કુલ ૩૮ લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે રજનીકાંતભાઇએ ડભોડા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તસ્કર ટોળકીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. શહેરની સાથે ગ્રામ્યવિસ્તારમાં વધતી જતી ઘરફોડ ચોરીને પગલે પોલીસ દ્વારા કરવામાં આવતા નાઇટ પેટ્રોલીંગના દાવા પોકળ હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે એટલુ જ નહીં, પોલીસનો ખૌફ પણ હવે રહ્યો નથી જેના પગલે તસ્કરો બેફામ થઇ ગયા છે.