Ahmedabad News :ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી
Ahmedabad News :ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી નાગરિકોની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે.

ત્યાંના રેકટર પણ ઉંઘતા ઝડપાયા છે. તમામની હાજરીમાં વિદ્યાર્થીઓને બેફામ રીતે માર મારવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ અંગે NSUI દ્વારા માંગ કરવામાં આવી છે કે, જવાબદાર કર્મચારીઓને બરતરફ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. શું વિદેશી નાગરિકો ગુજરાત યુનવર્સિટીમાં સુરક્ષિત નથી? તંત્ર સલામતી અને વિકાસના દાવા હેઠળ ગુજરાતમાં ભણવા આવતા વિદેશી નાગરિકોને સાચવી શકતી નથી. કેટલાક તત્વો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસીને તોડફોડ કરી વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે.

ત્યારે ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટીની સલામતી સામે પ્રશ્નો ઊભા થાય છે અને ગુજરાત યુનિવર્સિટીના તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય છે. વધુમાં NSUIએ જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ગુજરાત યુનિવર્સિટીના વિકાસના મોટા-મોટા પોકળ દાવા કરે છે. પણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ વિદેશી વિદ્યાર્થીઓ સલામત નથી. હુમલો કરનાર તમામ અસામાજિક તત્વો ઉપર આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગુનો દાખલ થવો જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ રાજીનામુ આપવું જોઈએ.