Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી
Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી. આગ લાગતાની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા હતા, બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી હતી. આગમાં 39 જેટલા ટુ-વ્હિલર અને 3 રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ 200 જેટલા લોકોને સહી સલામત ધાબેથી રેસ્ક્યૂ કર્યા હતા.

આગ લાગવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લેટમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો અને દર્દીઓ હતા. આગનો ધૂમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને ધાબા ઉપર દોડી ગયા હતા. આગ લાગવાના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ હતો. જેથી લોકોને શાંત રહેવા કહ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા ઉપર પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઊંચકી ધાબા ઉપરથી સહી સલામત નીચે લાવ્યા હતા. 10 લોકોને ફાયર બ્રિગેડની સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.