Accident in Junagadh :ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે
Accident in Junagadh :છેલ્લા ઘણા સમયથી રાજ્યોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. અકસ્માતના કારણે ઘણા પરિવારોને પોતાના મોભી કે સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવા સમયે વિચાર આવે કે, જો તે સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરી લીધું હોત તો અકસ્માત ન થાત, પરંતુ પાછળથી પસ્તાવાનો કોઈ મતલબ નથી. ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું, આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ત્રણેય યુવકો ભરત નગભાઈ મોરી ઉં.વ 16, રહે. બાટવા), પરેશ પરબતભાઈ રામ (ઉં.વ 25, રહે. બાટવા) અને હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉં.વ 30 રહે. માણાવદર)ના દુઃખદ અવસાન થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.