Ahmedabad News :અમદાવાદના બોપલના ઘુમા ગામ પાસે ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો
Ahmedabad News :અમદાવાદના બોપલના ઘુમા ગામ પાસે ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો. તેથી સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ અને નાસભાગનો વીડિયો સામે આવ્યો છે.
સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખસો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા આવતા સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેથી મેરી ગોલ્ડ રોડ પર નાસભાગ મચી હતી. આ ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો દોડી ગયો હતો. ઉપેન્દ્રસિંહે રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઉપેન્દ્રસિંહે લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જેથી તેમના વિરુદ્ધ કોઈ ગુનો નોધવામાં આવ્યો નથી.
મેરી ગોલ્ડ સર્કલથી તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડી હતી. જેમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઉભા હતા. તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઇપો હતી. એ તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઉપેન્દ્રસિંહે બચાવવામાં રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ સામે પક્ષના લોકો ઉપેન્દ્રસિંહ ઉપર હુમલો કરવા લાગ્યા હતા.
એક માણસે ઉપેન્દ્રસિંહને જમણા હાથ ઉપર લાકડી મારતા ઈજા થઈ હતી, આથી તેમના હાથમાં રિવોલ્વર હતી, જેના વડે ઝપાઝપીમાં ટ્રિગર દબાઈ જતા એક રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું. આમ કુલ બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ટોળાએ ઉપેન્દ્રસિંહની ગાડીમાં તોડફોડ કરી હતી. ઉપેન્દ્રસિંહ જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર મામલે નવ લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.