Sabarkantha News :સાબરકાંઠામાં એક શખ્સ નશામાં ભાનભૂલ્યો હતો, તેણે હોલિકા દહન દરમિયાન પોતાની કારને સળગતી હોળીમાં નાખીને સળગાવી દીધી હતી
Sabarkantha News :ગુજરાતમાં અનેક અનોખી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સાબરકાંઠામાં એક શખ્સ નશામાં ભાનભૂલ્યો હતો, તેણે હોલિકા દહન દરમિયાન પોતાની કારને સળગતી હોળીમાં નાખીને સળગાવી દીધી હતી. આ બનાવને પગલે ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કાર સીએનજી હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે ગતરોજ હોલિકાનું દહન કરવામાં આવી રહ્યું હતું. ગામના લોકો હોળીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક શખ્સ અચાનક કાર લઈને અહીં પહોંચ્યો હતો અને પોતાની કારને સળગતી હોળીમાં મુકીને પોતે કારમાંથી ઉતરી ગયો હતો.
આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, યુવકે પોતાની કારને સળગાવી દેતા બધા ચોંકી ઉઠ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે યુવક નશામાં ચૂર હતો, તેણે હોળીના દિવસે પોતાની કારની જ હોળી કરી નાખી. આ કાર સીએનજી હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આ યુવક નશામાં એટલો ચૂર હતો કે ગાડીને આગમાં હોમી દઈ પોતે ગાડીની બહાર આવી ગયો હતો.