News Update :તારાપુર તાલુકાના મિલરામપુરામાં જમીન વેચવા બાબતના ઝઘડામાં એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો
News Update :તારાપુર તાલુકાના મિલરામપુરામાં જમીન વેચવા બાબતના ઝઘડામાં એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ૩ વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. આ અંગે ૩ શખ્સો વિરૂદ્ધ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

મિલરામપુરામાં રામજી મંદિર પાસે રહેતા રૂપાબેન લધુભાઈ રાઠોડ શુક્રવારે સાંજે ઘરે હતાં. ત્યારે કુટુંબી જેઠ નાગરભાઈ રાઠોડનો પૌત્ર બળવંતભાઈ દિનેશભાઈ રાઠોડ ઘરે આવી અપશબ્દો બોલી નારૂભાઈ ગભરૂભાઈ રાઠોડની સર્વે નંબર ૧/૧ ખાતા નંબર ૨૯૮ વાળી જમીન વેચવા માટે તમે કેમ બતાવો છો એમ કહી નજીકમાં પડેલી ઇંટનો ટુકડો તેણીના મોઢામાં મારી દીધો હતો. બાદમાં બળવંતભાઈએ નજીકમાં પડેલી લાકડીની ઝપોટો મારી હતી.
દરમિયાન રૂપાબેનના પતિ લધુભાઈ તથા દિયર ભીખાભાઈ છોડાવવા વચ્ચે પડતા બળવંતભાઈએ લાકડીની ઝાપોટ લધુભાઈને ઘૂંટણ ઉપર મારી દીધી હતી. તથા બળવંતભાઈનું ઉપરાણું લઈ તેનો ભાઈ સુરેશભાઈ તથા મોટા બાપુ નાગરભાઈ ગભરૂભાઈ રાઠોડ લાકડીઓ લઈ આવી આવી પતિ અને દિયરને માર માર્યો હતો.
બનાવ બાદ ગ્રામજનોએ ત્રણેયને ૧૦૮ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે ત્રણેયને કરમસદ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન દિયર ભીખાભાઈ પોપટભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે બળવંતભાઈ દિનેશભાઈ રાઠોડ, સુરેશભાઈ દિનેશભાઈ રાઠોડ, નાગરભાઈ ગભરૂભાઈ રાઠોડ (તમામ રહે. રામજી મંદિર પાસે, મિલરામપુરા) વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.