Ahmedabad crime news :અખબારમાં નોકરીની જાહેરાત આપીને છેતરપિંડી કરતી દિલ્લીની ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે
Ahmedabad crime news :સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનના નામે અખબારમાં નોકરીની જાહેરાત આપીને છેતરપિંડી કરતી દિલ્લીની ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના અને દિલ્લી ખાતે રહેતા અકરમ તુર્ક, મનોજ શર્મા, શિવશંકર અવસ્થી નામના 3 શખ્સોની ધરપકડ કરી 7 થી 8 રાજ્યોમાં થયેલાં કૌભાંડનો ખુલાસો કર્યો છે.
સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યુ દિલ્લીના નામથી દરેક જિલ્લામાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયક જેવી પોસ્ટ માટે અલગ-અલગ પગારથી ભરતી કરવાની જાહેરાત આપતા હતા. વેબસાઈટ ઉપર જાહેરાત બનાવી સોશિયલ મીડિયામા વાયરલ કરી ફી પેટે 2450 ઓનલાઈન ભરાવતા હતા. નોકરી ઈચ્છુક વ્યક્તિઓને ટ્રેનીંગમાં મોકલવાની લાલચે વધુ રકમની માગણી કરતા હતા.
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજ્યોના લાખો યુવકો પાસેથી કરોડો રૂપિયાની ફી ઉઘરાવી હોવાથી ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન, ગ્રામીણ જન સ્વાસ્થ્ય સંસ્થાન, શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન, ભારતીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન, અને રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન નામની વેબસાઈટ બનાવી અંદાજે 25 હજાર યુવાનો સાથે છેતરપિંડી કરી છે. જેમાં ગુજરાતના 4 હાજર યુવાનો પણ ભોગ બન્યા છે.