Surat Crime News :સુરતમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલા પર તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે
Surat Crime News :પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
Surat Crime News :સુરતમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલા પર તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. આ ઉપરાંત તેણે તેના સાગરીતોની સાથે ભેગા મળીને મહિલા પાસેથી કુલ 1.39 કરોડ રૂપિયા પડાવી લીધા છે. પ્રેમીએ નકલી હોસ્પિટલથી લઈને નકલી ડિવોર્સ પેપર ઉભા કરીને મહિલાને બાટલીમાં ઉતારી 1.39 કરોડ રૂપિયા પડાવી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. મહિલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો સામે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સો (વિતરાગ શાહ, સ્નેહલ દલાલ અને કેતુલ દલાલ) ની ધરપકડ પણ કરી છે.
મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, શહેરના ખટોદરા વિસ્તાર આવેલા કાપડિયા હેલ્થ ક્લબ નજીક રહેતી 40 વર્ષીય મહિલા તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ વર્ષ 2016માં એક ફંક્શનમાં તેમના કોલેજના મિત્ર ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી.
Surat Crime News :મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધતો
જે બાદ ઉદય નવસારીવાળા અને મહિલા વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. ઉદય નવસારીવાળાએ પરિણીતા પાસે પહેલાં પતિથી ડિવોર્સ લેવડાવી પોતે લગ્ન કરશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. ઉદય તેની પત્નીને ડિવોર્સ આપી તેની સાથે લગ્ન કરશે એમ કહી અવારનવાર મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો.
શારીરિક સંબંધ બાંધી લીધા બાદ તે તેનામાંથી છૂંટવા માંગતો હતો
DCP વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે, ઉદયે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી લીધા બાદ તે તેનામાંથી છૂંટવા માંગતો હતો. પરંતુ તેને આ મામલે કઈ સમજાતું નહોતું. જેથી તેણે તેના મિત્ર વિતરાગ મુકેશ શાહ ( રહે.કોટિયાર્ક, રાંદેર રોડ, સુરત)ની મદદ લીધી હતી. જેથી તેઓે બંને ભેગા મળીને એક પ્લાન બનાવ્યો. એક દિવસ વિતરાગ મહિલાના ઘરે ગયો અને ઉદય તબિયત ખરાબ હોવાથી તેને પીપલોદ વિસ્તારમાં આવેલ સનસાઈન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે એવું કહીને બહાનું બનાવી તેની પાસેથી પૈસા લીધા.
ખોટા વીડિયો બનાવી મહિલાને મોકલ્યા
એટલું જ નહીં આ બંને સહિત કેટલાક લોકોએ ભેગા મળીને હોસ્પિટલ પણ નકલી ઊભી કરી હતી. હોસ્પિટલના ખોટા મેડિકલ રિપોર્ટ બનાવી ઉદય હોસ્પિટલમાં દાખલ છે તેવા ખોટા વીડિયો બનાવી મહિલાને મોકલ્યા. તેના સારવાર માટે વધુ પૈસાની જરૂર છે કહીને અવારનવાર તેની પાસેથી રોકડ રકમ પડાવી લીધી હતી.
તેઓએ જણાવ્યું કે, પીડિતાનો પ્રેમી ઉદય હોસ્પિટલમાં એડમિટ હતો તે સમયે પીડિતા તેને સાજો કરવા માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી ત્યારે બીજી બાજુ આ ઠગબાજ ટોળકીએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા અવનવા કાવતરા અજમાવતી હતી. ટોળકીએ આચાર્ય એ.જે ગુરુજી (રહે. સરગમ એપાર્ટમેન્ટ, નારણપુરા) પાસે પણ ફોન કરાવ્યો હતો કે તારી અને ઉદયની કુંડળી મળે છે. બંનેના યોગ સારા છે. ભવિષ્યમાં બંનેના લગ્ન થઈ જશે તેમ કહીને તું હંમેશા ઉદયની મદદ કરજે તમારું બંનેનું ભવિષ્ય સારું છે.
કુલ રૂપિયા 78 લાખ લઈ લીધા
જેથી મહિલાએ તેના દાગીના પણ આ ઉદય, વિતરાગ અને ઉદયના પિતા હેમંત નવસારીવાલાને આપી દીધા હતા. જે તેઓએ ભાગ્યલક્ષ્મી જવેલર્સ ધરાવતા સ્નેહલ દલાલ તથા કેતુલ દલાલ પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા. આ ઠગબાજોએ પીડિતાના તમામ દાગીનાઓ ગીરવે મૂકી જવેલર્સના બંને ભાઈઓ પાસેથી કુલ રૂપિયા 78 લાખ લઈ લીધા હતા. તો મહિલાએ સગા-સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉછીના લઈને ઉદયની સારવાર માટે આપ્યા હતા.
જોકે, અંતે આ મહિલા પાસેથી તમામ રોકડ રકમ અને તેના દાગીનાઓ ગીરવે મૂકાવી પૈસા પડાવી લઈને ઉદયે હાથ ઊંચા કરી લેતા આખરે મહિલાએ આ મામલે ઉદય હેમંત નવસારીવાળા ઉર્ફે નાગર સામે ખટોદરા પોલીસ સ્ટેશન મા દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત આ સમગ્ર કેસમાં ઉદયને મદદ કરનાર વીતરાગ મુકેશ શાહ, હેમંત નવસારીવાલા ઉર્ફે નાગર, દલાલ મહેશ મવાની, અમદાવાદના આચાર્ય એ.જે.(ગુરૂજી), કેતુલ દલાલ (ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સના માલિક), સ્નેહલ દલાલ (ભાગ્ય લક્ષ્મી જવેલર્સના માલિક) સામે પણ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.