TOP News :પોલીસે ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ખેપિયાને ઝડપી પાડ્યા હતાં
TOP News :નેત્રંગ તાલુકાના ભોટનગર ગામના ભાથીજી મંદિર પાસેથી પોલીસે ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ખેપિયાને ઝડપી પાડ્યા હતાં.
નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો. તે સમયે દેડિયાપાડા તરફથી એક સફેદ ઈકો કારમાં વિદેશી દારૂ ભરીને બે ઇસમો નેત્રંગ તરફ આવી રહ્યા હોવાની અને તેની આગળ એક બાઈકચાલક પ્રાઇલોટીંગ કરતો હોવાની બાતમી મળતાં પોલીસે રાજપારડી રોડ પર ભોટનગર ગામ પાસે આવેલ ભાથીજી મંદિર પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબની બાઈક અને કાર પસાર થતાં પોલીસે તેમને અટકાવી હતી.
પોલીસે બાઈક ચાલક અને કારમાં બેસેલા શખ્સની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ પ્રવિણ ધીરસીંગ વસાવા (રહે.નિશાળ ફળિયું, પાટ, સાગબારા), અજય જયસીંગ વસાવા અને નિકુંજ કેશવ વસાવા (બંને રહે નિશાળ ફળીયુ, ટાવલ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારની તલાશી લેતાં કારના દરવાજાના ફાડીયામાં અને બોનેટમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૬૨૪૦૦નો દારૂનો જથ્થો અને કાર તથા બાઈક મળી કુલ રૂ.૫,૦૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.