Accident On Abu Road :ગુજરાત પાસિંગની કારે નવ લોકોને ફંગોળ્યા, ચારની હાલત ગંભીર, તમામને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા
Accident On Abu Road :ઉત્તર ગુજરાતમાં રહેતા ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે આબુ. રજા મળી નથી ને ગુજરાતીઓ આબુ ફરવા ઉપડ્યા નથી. આબુ રોડ આખો ગુજરાતીઓથી ભરેલો હોય છે. ત્યારે ગુજરાત પાસિંગની એક કારે આબુ રોડ પર મોટો અકસ્માત સર્જ્યો છે. ગુજરાત પાસિંગની કારના ચાલકે ખોટી રીતે ગાડી હંકારીને લોકો સહિત અનેક લારીઓને અડફેટે લીધી હતી. જેમાં 9 લોકોને કચડ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડમાં ગાડી ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આબુરોડ અંબાજી ચોકડી પર i20 કાર ચાલકે ખાણીપીની લારી સહિત બાઈકોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં 9 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કારની અડફેટે આવતા 4 લોકોની હાલત વધુ ગંભીર બની છે. ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો બીજી તરફ, અકસ્માત સર્જનાર ગાડી ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આબુરોડ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આબુરોડમાં કાર ચાલક દ્વારા ગંભીર અકસ્માત સર્જવાનો મામલામાં પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આદિવાસી શંકારામનું મોત નિપજ્યું છે. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર રીતે ઘાયલ અન્ય 2 લોકોની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ છે. અકસ્માતમાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતમાં લગભગ 9 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કાર ક્યાંથી આવી રહી હતી અને ક્યા જઈ રહી હતી, કોણ ગાડી ચલાવી રહ્યુ હતું તેની તપાસ ચાલી રહી છે. પરંતુ આ અકસ્માતમા ઘાયલ ચાર લોકોની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે.