રાજકોટમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.
રાજકોટ હનીટ્રેપ : રાજકોટમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. કોઠારીયા વિસ્તારના રામનગર શેરી નં. 6માં રહેતા અને રણુંજા મંદિર સામે અવધ સેલ્સ નામે પાન-બીડી, તમાકુંની પેઢી ધરાવતા હસમુખ દુદાભાઈ રૈયાણી (ઉ.વ. 43)ને મસાજ કરી આપવાના બહાને એક મહિલાએ જાળમાં ફસાવી અન્ય બે આરોપીઓની મદદથી રૂ. 6.77 લાખ પડાવ્યા હતા. જે અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય સૂત્રધાર મનીષા નામની મહિલાની શોધખોળ શરૂ કરી છે.

રાજકોટ હનીટ્રેપ : ભોગ બનનાર હસમુખભાઈએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં બે પુત્ર છે. ગઈ તા. 17 જાન્યુઆરીના રોજ તે પોતાની પેઢીએ હતો. ત્યારે એક મહિલાએ કોલ કરી કહ્યું કે હું પટેલની દિકરી છું, શું તમે સેવાનું કામ કરો છો ? જેથી તેણે હા પાડતા મીઠી મીઠી વાતો કરી હતી. આ રીતે આખો દિવસ અલગ-અલગ સમયે તેને કોલ કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ મસાજ કરાવવા માટે ગઈ તા. 18 જાન્યુઆરીના રોજ ગૌરીદળ બોલાવ્યો હતો. જયાં રાત્રે પહોંચતા તે મહિલા કે જેનું નામ મનીષા હતું, તે એકટીવા લઈ આવી હતી. જેણે તેનું બાઈક ત્યાં જ મુકાવી પોતાના એકટીવા પાછળ બેસાડી મોરબી રોડ નજીકની એક શેરીમાં આવેલા મકાને પહોંચી હતી.
જયાં એકટીવા ઉભુ રાખતા જ અચાનક બે શખ્સો ઘસી આવ્યા હતા. તત્કાળ તેને બળજબરીથી મકાનમાં લઈ જઈ મારકૂટ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં બંને શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી કહ્યું કે અમે રેડ પાડી છે, આ બહેન ગાંજો વેચે છે, જેનું નામ મનિષા છે, તું તેનો પાર્ટનર છો, બહારથી મનિષાને સાહેબ પોલીસ સ્ટેશને લઈ ગયા છે. એટલું કહ્યા બાદ તેનો મોબાઈલ પડાવી લઈ તેના કપડા કઢાવી નગ્ન અવસ્થામાં વીડીયો ઉતાર્યો હતો.
રાજકોટ હનીટ્રેપ : ત્યારબાદ તેને કહ્યું કે ગાંજાના કેસમાંથી બચવું હોય તો રૂ. 3 લાખ આપવા પડશે. જેથી તે સહમત થઈ ગયો હતો. તત્કાળ તેણે મંડળી ચલાવતા મિત્ર પંકજ રામજીભાઈ દોંગાને વેપારીને 3 લાખ રૂપિયા આપવાના છે તેમ કહી રકમની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. થોડી વાર બાદ બનેવી ચંદ્રેશભાઈ અવચરભાઈ ભંડેરીને કોલ કરી પંકજભાઈ પાસેથી રૂ. 3 લાખ મંગાવી કોઠારીયા ચોકડીએ બોલાવ્યા હતા. જયાં તેની સાથે રહેલા બે શખ્સમાંથી એકને મોકલી રૂ. 3 લાખ મંગાવી લીધા હતા.
આ પછી તેના ખીસ્સામાંથી બંને શખ્સોએ રૂ. 15,000 કાઢી લીધા હતા. પર્સમાંથી ATM કાર્ડ કાઢી બહાર પડેલા તેના બાઈકમાં તેને બેસાડી કુવાડવા રોડ પર આવેલા એટીએમમાં લઈ જઈ રૂ. 15,000 ઉપાડી લીધા હતા. બાકીની રકમ કાલે ઉપાડશું તેમ કહી તેને છોડી દીધો હતો. બાદમાં તે ઘરે જતો રહ્યો હતો. આ પછી તેના એટીએમમાંથી રૂ. 15,000 ઉપાડયાનો મેસેજ આવ્યો હતો. બીજા દિવસે વધુ રૂ. 7500 ઉપાડયાના મેસેજ આવ્યા હતા. આટલેથી નહીં અટકતા બંને શખ્સોએ તેને કોલ કરી વધુ 30,000ની માગણી કરતા તેણે પોતાના ખાતામાં રકમ જમા કરાવતા તે રકમ પણ ઉપાડી લીધી હતી.
રાજકોટ હનીટ્રેપ : ગઈ તા. 2 ફેબુ્રઆરીના રોજ તે પોતાની ઈકો ગાડીમાં પાન-બીડી, તમાકુનો માલ ભરી ગામડે વેચવા જતો હતો. ત્યારે ગઢકાના પાટીયા પાસે બંને શખ્સો અલગ-અલગ બાઈક લઈ આવ્યા હતા. તેને ઉભો રાખી બાઈક પાછળ બેસાડી ઢાંઢણીના પાટીયા સુધી લઈ ગયા હતા. જયાં કહ્યું કે તારી સાથે જે મહિલા હતી, તે મરી ગઈ છે, ગાંજો તારો જ છે, તારે જો તારે આમાંથી બચવું હોય તો સાહેબને 3 લાખ આપવા પડશે.
આ વાત સાંભળી ગભરાઈ જતા ગઢકાના પાટીયા પાસે ચા-પાણીની હોટલ ધરાવતા મિત્ર સતુભા જાડેજા પાસેથી 3 લાખ માંગ્યા હતા. થોડા સમય બાદ સતુભાએ દોઢ લાખની વ્યવસ્થા થઈ ગયાનું કહેતા બે પૈકીના એક શખ્સને તેની હોટલે મોકલી રકમ મંગાવી લીધી હતી. આ રીતે તેની પાસેથી કટકે-કટકે કુલ રૂ. 6.77 લાખ પડાવી લેતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ હનીટ્રેપ : જેના આધારે પીઆઈ એલ.એલ. ચાવડા અને પીએસઆઈ એ. જે. પરમારે બે આરોપીઓ અરવિંદ આંબાભાઈ ગજેરા (રહે. ભગવતીપરા-20, ભાડાના મકાનમાં) અને કિશન સીંગાસન કુશ્વાહ (રહે. આનંદનગર, આજી જીઆઈડીસી નજીક)ને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ઉપરાંત મનિષા નામની મહિલા સહિતની ટોળકીએ બીજા કેટલાક લોકોને પણ શિકાર બનાવ્યાની શંકા સાથે આજી ડેમ પોલીસે તપાસ આગળ ધપાવી ભોગ બનનારાઓને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
What kind of website is this, Becuse your domain is News for India and you are writing mostly is Gujarati?