ભાવનગર જિલ્લામાં લગ્નના માત્ર 11 દિવસ બાદ જ પત્નીએ પતિની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે
ભાવનગર જિલ્લામાં લગ્નના માત્ર 11 દિવસ બાદ જ પત્નીએ પતિની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. પતિની હત્યા કર્યા બાદ નાસી ગયેલી પત્નીની સામે ફરિયાદ નોંધીને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

25 જાન્યુઆરીએ કર્યા હતા લગ્ન
મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામની વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા વજુભા જોરૂભા ગોહિલે તાજેતરમાં જ 25 જાન્યુઆરી 2024ના રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગવાણ ગામના રહેવાસી દિપીકા વનસિંગ વસાવા સાથે ફુલહાર કરીને લગ્ન કર્યા હતા.
ઘરકામ બાબતે થયો હતો ઝઘડો
જે બાદ તેઓ દિપીકાને પોતાના ઘરે જૂનાપાદર ગામે લાવ્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ નવદંપત્તી વચ્ચે ઘરકામને લઈને બોલાચાલી થતી હતી. ગઈકાલે રાત્રે પણ ઘરકામને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પતિ વજુભાએ પત્ની દિપીકાને ઘરકામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પત્નીએ પતિના માથામાં ઝીંક્યા તીક્ષ્ણ હથિયારના ઘા
આ દરમિયાન આવેશમાં આવીને દિપીકાએ વજુભાના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ વજુભા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, તો પત્ની દિપીકા ફરાર થઈ ગઈ હતી. તો વજુભાનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ મૃતકના પિતરાઈ ભાઈએ દિપીકા વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.