બિલોદરા ચોકડી પરથી ઈકોમાંથી રૂ. ૭૮ હજારની દારૂની ૬૪૮ બોટલો સાથે કારનો ચાલક ઝડપાયો હતો
બિલોદરા ચોકડી પરથી ઈકોમાંથી રૂ. ૭૮ હજારની દારૂની ૬૪૮ બોટલો સાથે કારનો ચાલક ઝડપાયો હતો. રૂ. ૩.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ ગ્રામ્ય પોલીસ શનિવારે રાત્રીના બે વાગ્યાના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન બિલોદરા ચોકડીથી કમળા ચોકડી તરફ એક ઈકો ગાડીને ઈશારો કરતા ચાલકે ગાડી હંકારી મુકતા પોલીસે પીછો કરી ગાડીને ઝડપી પાડી હતી. પોલીસે દારૂ સાથે પકડાયેલા કાર ચાલકની પૂછપરછ કરતા ક્રિષ્ના ઉર્ફે કાળુ રૂપલાલ ડામોર રહે. છુંદરા, તાલુકો ખેરવાડા, જિલ્લા ઉદયપુર હોવાનું જણાવ્યું હતું.
આ વિદેશી દારૂ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ રહે. આશાપુર, રાજસ્થાન એ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂ પેટી નંગ ૨૭, કુલ બોટલ નંગ ૬૪૮ કિંમત રૂ.૭૭,૭૬૦નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કાર ચાલકની તલાશી લેતાં મોબાઇલ ફોન રૂ.૫,૦૦૦નો તેમજ રોકડ રૂ.૬૦૦ મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ ઈકો ગાડી રૂ.૩ લાખની મળી કુલ રૂ.૩,૮૩,૩૬૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે નડિયાદ રૂલર પોલીસે ક્રિષ્ના ઉર્ફે કાળુ રૂપ નાથ ડામોર તેમજ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.