Beatings by thuggish gangs in New Gandhinagar નોનવેજ રેસ્ટોરન્ટમાંથી જમવાનું નહીં અપાતા ટોળકીએ મેનેજરનું માથું ફોડયું
Beatings by thuggish gangs in New Gandhinagar | ન્યુ ગાંધીનગરમાં લુખ્ખા ગેંગની દાદાગીરી
મેનેજરને છોડાવવા આવેલા સંબંધિને ધોકાવી નાંખવાની સાથે જ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી
ગાંધીનગર : ન્યુ ગાંધીનગરમાં નાઇટ કલ્ચરના વિકાસની સાથે લુખ્ખાઓની દાદાગીરી પણ બેકાબુ બની રહી છે. ત્યારે નોનવેજ રેસ્ટોરન્ટમાંથી જમવાનું આપવામાં નહીં આવતા ટોળકીએ મેનેજરને બહાર કાઢીને ધોકાથી માર મારીને માથું ફોડી નાંખ્યુ હતું. તેને છોડાવવા આવેલા સંબંધીનો પણ વારો પાડી દેવાની સાથે રેસ્ટોરન્ટમાં તોડફોડ મચાવી દેતા ભયનો માહોલ સર્જાયો હતો. બબાલનું સમાધાન નહીં થતાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

બનાવ સંબંધથમાં રાયસણમાં શ્યામ શુકન એપાર્ટમેન્ટમાં રહેતા અને આ વિસ્તારમાં ખમ્માધણી નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં મેનેજરની નોકરી કરતા ગર્દભદત સજ્જનસિંહ જેતાવતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં આરોપી તરીકે આ રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જમવા આવતા રહેતા અલ્કેશ પટેલ તથા તેના મિત્રો હેત પટેલ, શુભ પટેલ, ઉમંગ સોલંકી, રાજ પટેલ, કશ્યપ પટેલ, શની પટેલ તથા ધુમિલ ઉર્ફે મોન્ટુ પટેલના નામ આપવામાં આવ્યા હતાં.
ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ગત તારીખ ૩૧મીની રાત્રે અલ્કેશ પટેલ રેસ્ટોરન્ટ પર આવ્યો હતો અને ચાર પ્લેટ નોનવેજનો ઓર્ડર આપ્યો ત્યારે મેનેજરે વધશે તે આપશે તેમ જણાવ્યું ત્યારે અલ્કેશ નીકળી ગયો હતો. બાદમાં અલ્કેશના બે મિત્રો એક પછી એક નોનવેજ લેવા ગયાં ત્યારે મેનેજરે કંઇ વધ્યુ નહીં હોવાનો જવાબ આપતાં તેઓએ અલ્કેશ બહાર બોલાવતો હોવાનું જણાવ્યુ હતું. પરંતુ ગ્રાહકો હોવાથી મેનેજર બહાર નહીં જતાં આરોપીઓની ટોળકીએ મેનેજરને બહાર લાવીને ધોકાથી મારવાનું શરૃ કર્યુ હતું. તેને છોડાવવા પ્રયાસ કરનાર પ્રદિપસીંગને પણ લમધારી નાંખ્યો હતો અને ખુરસીઓ પછાડવાની સાથે રેસ્ટોરન્ટમાં તોડફોડ પણ મચાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ સંબંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.