સરસપુરમાં ગાળો બોલવાની ના પાડતા પડોશીએ યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો
સરસપુરમાં ગાળો બોલવાની ના પાડતા પડોશીએ યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો તેમજ ગોમતીપુરમાં મારામારી થતા આરોપીઓએ ચાની કીટલીમાં તોડફોડ કરી હતી ત્યારબાદ માથાકૂટ થતા તમામ લોકો ભાગ્યા હતા.

પરંતુ એક યુવક મળી આવ્યો ન હતો. બીજી તરફ તે યુવક લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બન્ને બનાવમાં શહેરકોટડા અને ગોમતીપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરસપુરમાં ગાળો બોલવાની ના પાડતા પડોશીએ યુવકને છરીના ઘા માર્યા ગોમતીપુરમાં મિત્રો સાથે ગયેલા નિર્દોષ યુવકને ચાકુના ઘા મારી જીવલેણ હુમલો
સરસપુરમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે તા.૨૮ના રોજ રાત્રીના સમયે પાડોશી ભાઇઓ અંદરો અંદર ઝઘડો કરતા હતા તેમજ બિભત્સ ગાળો બોલતા હતા. જેથી ફરિયાદીના પતિએ ગાળો બોલવાની ના પાડતા શખ્સોએ તેને તું કેમ વચ્ચે બોલે છે કહીને છરી વડે ફરિયાદીના પતિ ઉપર જીવલેણ હુમલો કરતા તેઓ લોહી લુહાણ હાલતમાં નીચે પડયા હતા.
ત્યારે બુમાબુમ થતા આસપાસના અને પરિવારજનો આવી જતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કોટડા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં બાપુનગરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આમીર ભાંજા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૭મીએ યુવક મિત્રની સાયકલની દુકાને બેઠો હતો. ત્યારે રાત્રે ફરિયાદીને તેના પડોશીએ ઉઠાડી જણાવ્યું હતું કે, તારા ભાઇને વાગ્યું છે. જેથી ફરિયાદી પરિવાર સાથે હોસ્પિટલ પહોચતા તેનો ભાઇ બેભાન હાલતમાં પડયો હતો.
બીજી તરફ બીજા દિવસે સવારે તેના મિત્રએ જણાવ્યું હતું કે અમો માધવ મિલના કંપાઉન્ડ ખાતે ગયા હતા ત્યારબાદ આરોપીઓએ ત્યાં કીટલીમાં તોડફોડ કરી હતી જેથી બધા ભાગી પરત આવી ગયા હતા. પરંતું ફરિયાદીનો ભાઇ આવ્યો ન હતો. ત્યારબાદ તપાસ કરતા તે લોહી લુહાણ મળી આવ્યો હતો.
જેથી આરોપીઓએ તેને માર મારી લોહી લુહાણ કર્યો હતો. ગોમતીપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.