સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક સપ્તાહમાં મહિલા જેલમાં મહિલા કેદીઓ વચ્ચે મારા મારીની બીજી ઘટના બની હતી
અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક સપ્તાહમાં મહિલા જેલમાં મહિલા કેદીઓ વચ્ચે મારા મારીની બીજી ઘટના બની હતી. જેમાં મહિલા કેદીઓ વચ્ચે દૂધ લાવવા બાબતે તકરાર થઇ હતી. જેમાં એક મહિલાએ બીજી મહિલા કેદીને વાળ પકડીને મારી હતી અને હાથ પગ તોડવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા કેદીએ ધમકી આપી હમણાં તો બચી ગઇ બેરેકમાં મળીશ એટલે હાથ પગ તોડી નાંખીશ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા યાર્ડ બેરેકમાં એક વર્ષથી સજા ભોગવી રહેલી મહિલા કેદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલા કેદી સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ત્રણ મહિનાથી બેરેકમાં કેદીઓ માટે દૂધ તથા સર સામાન લાવવાની કામગીરી કરતી હતી.
આરોપી સાથે અગાઉ ટીવી જોવા બાબતે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને તા. ૨૩ના રોજ આરોપી મહિલાએ ફરિયાદીને કહ્યું તું આપણી બેરેકમાં દૂધ લઇ જતી નહી આજથી હું દૂધ લઇને જઇશ. આ મુ્દ્દે તકરાર થતાં આરોપી મહિલાએ ગાળો બોલીને ફરિયાદી મહિલા કેદીને વાળ પકડીને માર માર્યો હતો અને બેરેકમાં મળીશ એટલે હાથ પગ તોડવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે એક સપ્તાહ અગાઉ પણ મહિલા કેદીઓ વચ્ચે સામાન્ય તકરારમાં મારામારી થઇ હતી.