બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ, અમદાવાદમાં એક જ દિવસમાં ૨૦ હજારથી વધુ મિલકત સીલ કરાઈ
ઉત્તરઝોનમાં સૌથી વધુ ૬૦૨૫ મિલકત સીલ, સાત ઝોનમાંથી ૧૫.૭૮ કરોડની પ્રોપર્ટી ટેકસની વસૂલાત
અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ કરાઈ હતી.એક જ દિવસમાં શહેરના સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને ૨૦૭૮૯ મિલકત મ્યુનિ.તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.ઉત્તરઝોનમાં સૌથી વધુ ૬૦૨૫ મિલકત સીલ કરાઈ હતી.દિવસાંતે મિલકતો સીલ કરી સાત ઝોનમાંથી રુપિયા ૧૫.૭૮ કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.


ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં આવેલ સુમેલ-૪મા આવેલ કોમર્શિયલ ઓફિસો ઉપરાંત સુમેલ-૧૦માં આવેલી ઓફિસો તથા દુકાનો, નવા નરોડા તથા હંસપુરા વોર્ડમા આવલા જુદા જુદા કોમ્પલેકસની દુકાનો તથા ઓફિસો બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામા આવી હતી.
બાપા સીતારામ ચોક વોર્ડમા આવેલી જુદી જુદી મિલકતો ઉપરાંત મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા પણ સીલીંગ કરવામા આવ્યુ હતુ.કુલ ૬૦૨૫ મિલકત સીલ કરી રુપિયા ૨.૮૭ કરોડની રકમ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરાઈ હતી.પૂર્વઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કુલ મળીને ૩૮૫૪ મિલકત બાકી વેરાની વસૂલાત કરવા માટે સીલ કરાઈ હતી.
જે સામે રુપિયા ૩.૨૦ કરોડની આવક થવા પામી હતી.મ્યુનિ.ના વિવિધ વિભાગની કુલ ૨૦ ટીમ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમા પેવેલીયન મોલ,નિકોલ, દુર્ગા એસ્ટેટ,રખિયાલ, ગ્લોબલ બિઝનેસ પાર્ક, ઓઢવ સહિતના અન્ય વિસ્તારમાં કાર્યરત કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર, એસ.જી.હાઈવે, આંબલી રોડ, આનંદનગર-૧૦૦ ફૂટના રોડ સહિત મકતમપુરા અને સરખેજ સહિતના અન્ય વિસ્તારમા બાકીદારોની ૨૫૧૫ મિલકત સીલ કરી રુપિયા ૨.૨ કરોડની રકમ બાકી પ્રોપર્ટીટેકસ પેટે વસૂલ કરાઈ હતી.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સિંધુભવન રોડ ઉપરાંત ઘાટલોડીયામા સમર્પણ ટાવર, વસ્ત્રાપુર, એસ.જી.હાઈવે,ગોતા સહિતના વિસ્તારમાં ૫૦૨૪ મિલકત સીલ કરી રુપિયા ૩.૮૭ કરોડની રકમ વસૂલ કરાઈ હતી.દક્ષિણઝોનમાં નારોલ,લાંભા અને ઈસનપુરમા આવેલા વિવિધ એસ્ટેટમાં બાકીદારોની કુલ મળીને ૬૮૦ મિલકત સીલ કરી રુપિયા ૧.૧ કરોડની વસૂલાત કરાઈ હતી.મધ્યઝોનમાં શાહીબાગ, ન્યૂ કલોથ માર્કેટ,તાવડીપુરા,ભદ્ર,પાંચકૂવા સહિતના વિસ્તારમાં ૧૦૧૨ મિલકત સીલ કરી રુપિયા ૧.૩૬ કરોડની રકમ વસૂલ કરાઈ હતી.
ઝોન વાઈસ કયાં કેટલી મિલકત સીલ કરાઈ
ઝોન સીલ આવક(કરોડમાં)
મધ્ય ૧૦૧૨ ૧.૩૬
ઉત્તર ૬૦૨૫ ૨.૮૭
દક્ષિણ ૬૮૦ ૧.૧
પૂર્વ ૩૮૫૪ ૩.૨
પશ્ચિમ ૧૬૭૯ ૧.૪૧
ઉ.પ. ૫૦૨૪ ૩.૮૭
દ.પ. ૨૫૧૫ ૧.૯૭