લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસને હાથ લાગી નહીં પરંતુ વધુ એકવાર વિદેશી દારૂની ૨૪૪ બોટલ, બિયર જપ્ત થઇ
પોલીસ દ્વારા લિસ્ટેડ જાહેર કરવામાં આવેલી મહિલા બુટલેગરના ઘરમાંથી વધુ એકવાર વિદેશી દારૂ અને બિયરની મળીને ૨૪૪ બોટલ જપ્ત કરવામાં આવી છે.
ગાંધીનગર : પોલીસ દ્વારા લિસ્ટેડ જાહેર કરવામાં આવેલી મહિલા બુટલેગરના ઘરમાંથી વધુ એકવાર વિદેશી દારૂ અને બિયરની મળીને ૨૪૪ બોટલ જપ્ત કરવામાં આવી છે. એકથી વધુ વખત ગુના દાખલ થવાના કારણે પોલીસ દ્વારા તેની પાસા હેઠળ ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવી હતી. પરંતુ તેમાંથી છુટયા બાદ ફરીથી દારૂ વેચવા લાગ્યાની માહિતી મળતા પોલીસે રેડ પાડી હતી. જોકે બુટલેગર મહિલા મળી આવી ન હતી.

ગાંધીનગરના આદિવાડા ગામે દંતાણી વાસમાં રહેતી મહિલા લિસ્ટેડ બુટલેગર સવિતા વિદેશી દારૂનું વેચાણ કરવામાં ફરી સક્રિય થઇ ગયાની પોલીસને માહિતી મળી હતી. અગાઉ ૧૦-૧૨ વખત પોલીસ દ્વારા તેના સામે દારૂબંધી ભંગના કેસ કરાઇ ચૂક્યા છે અને છેલ્લે તો તેની પાસા ધારા હેઠળ અટકાયત કરીને જેલમાં મોકલી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આદિવાડા ગામે તેના ઘર પાસે લાકડાના ગલ્લા અને મારવાડી વાસમાં પતરાવાળા મકાનમાં તપાસ કરવામાં આવી હતી. બન્ને સ્થળેથી બિયરના કેન અને વિદેશી દારૂની બોટલો મળી આવતાં રૂપિયા ૨૬ હજાર ઉપરાંતની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે મહિલા બુટલેગર પોલીસના હાથમાં આવી ન હતી. ત્યારે દારૂના જથ્થા સંબંધમાં કાયદેસરની કાર્યવાહી કરીને લિસ્ટેડ બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.