આણંદમાં વલ્લભવિદ્યાનગરની ફેવરીટ રીજેન્સી હોટલનાં રૂમમાં પતિએ પત્નીનું ગળુ કાપી હત્યા
આણંદમાં વલ્લભવિદ્યાનગરની ફેવરીટ રીજેન્સી હોટલનાં રૂમમાં પતિએ પત્નીનું ગળુ કાપી હત્યા કર્યા બાદ પોતે પણ પેટમાં છરીનાં ધા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે,આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદમાં લોટીયાભાગોળ વિસ્તારમાં સિદ્ધિવિનાયક ફલેટમાં રહેતા 36 વર્ષિય યુવક કોટેશ્વરપ્રસાદ બટુકપ્રસાદ દવે નામનાં યુવકએ મંગળવારે બપોરનાં સુમારે પોતાની પત્ની સેજલબેન ઉં.વ.36ને લઈને વલ્લભવિદ્યાનગરની ફેવરીટ રીજેન્સી હોટલમાં રૂમમાં ગયો હતો અને રૂમમાં કોઈ અગમ્યકારણોસર કોટેશ્વરપ્રસાદએ પોતાની પત્ની સેજલબેનનું છરી વ઼ડે ગળુ કાપી તેમજ પેટનાં ભાગે છરીનો ધા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ પોતે પોતાનાં પેટમાં છરીનાં ત્રણ ચાર ધા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કોટેશ્વરપ્રસાદએ પોલીસ કંટ્રોલરૂમનાં 100 નંબર પર ફોન કરી પોતાની પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ કરતા વલ્લભવિદ્યાનગર પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને રૂમનું લોક તોડી રૂમમાં લોહીલુહાણ પડેલા કોટેશ્વરપ્રસાદને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયો હતો જયારે સેજલબેનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર કોટેશ્વરપ્રસાદ કોઈ કામ ધંધો કરતો હતો નહી જેનાં કારણે સેજલબેન રીસાઈને પિયર ચાલ્યા ગયા હતા અને તેઓનો એક દિકરો બિમાર હોઈ ગઈકાલે જ આણંદ પરત આવ્યા હતા અને આજે કોટેશ્વરપ્રસાદ પોતાની પત્ની સેજલને બપોરનાં 12 કલાકે હોટલમાં લઈ ગયો હતો અને તેણીની હત્યા કરી નાખી હતી જો કે હત્યા કયાં કારણોસર કરવામાં આવી હતી જેની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.