નાના જાદરા ગામમાં પિતા-પુત્રીની હત્યા કેસમાં દંપતી અને પુત્રને આજીવન કેદ
મહુવા : મહુવા તાલુકાના નાના જાદરા ગામમાં આઠ વર્ષ પહેલાં હાંડો ઉપાડવા જેવી નજીવી બાબતે નાના ભાઈના પરિવાર ઉપર છરી વડે હુમલો કરી પિતા-પુત્રીની હત્યા કરવા તેમજ માતા-પુત્રને ઇજા પહોંચાડવાના કેસમાં મહુવાની અદાલતે દંપતી અને તેના પુત્રને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ તેમજ ઇજા પામનાર માતા-પુત્રને વળતર પેટે રૂ.૫૦-૫૦ હજાર ચૂકકવા હુકમ કર્યો છે.

- 8 વર્ષ પહેલાં થયેલી બેવડી હત્યામાં મહુવાની કોર્ટનો ચુકાદો
- હાંડો ઉપાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ પિતા-પુત્રએ પરિવાર ઉપર છરીના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હતો
આ કેસ અંગેની વિગત મુજબ મહુવા તાલુકાના નાના જાદરા ગામમાં આવેલ વણકરવાસમાં રહેતા હિંમતભાઈ હરિભાઈ વેલારીએ ગત તા.૧૧/૧૦/૨૦૧૫ ના રોજ પાણીનો હાંડો ઉપાડવાની ના કહ્યાની નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ પોતાના નાના ભાઈ પ્રવીણભાઈ હરિભાઈ વેલારી ઉપર છરી વડે હુમલો કરતા તેમની દીકરી વનીતાબેન,પુત્ર અશ્વિનભાઈ અને પત્ની મંજુબેન ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો.
દરમિયાન હિમ્મતભાઈના દીકરા પંકજે પણ છરી સાથે ધસી આવી તમામ ઉપર હુમલો કરતા ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા પ્રવીણભાઈ વેલારી તેમજ તેમની દીકરી વનીતાબેન મૃત્યુ પામતા બનાવ બેવડી હત્યામાં ફેરવાયો હતો.આ ઘટનામાં મહુવા પોલીસે સગા નાના ભાઈ અને ભત્રીજીની હત્યા કરવા બદલ હિંમત હરિભાઈ વેલારી, તેમના પુત્ર પંકજ હિમ્મતભાઈ વેલારી અને આ ઘટનામાં ચડામણી કરનાર સરલાબેન ઉર્ફે સમજુબેન હિમ્મતભાઈ વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૩૦૨,૩૦૭,૩૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.