વલસાડ જિલ્લાના નાના પોંડરા પોલીસ મથકનો પોલીસકર્મી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાસદ પોલીસના હાથે પકડાયા છે
આણંદ : વલસાડ જિલ્લાના નાના પોંડરા પોલીસ મથકનો પોલીસકર્મી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાસદ પોલીસના હાથે પકડાયા છે. નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલા આણંદ જિલ્લાના વાસદ ટોલનાકા નજીકથી મંગળવારે મધ્યરાત્રિના સુમારે એક પોલીસકર્મી તથા તેનો ભાઈ એક કારમાં વિદેશી દારૂની ૨૨૮ નંગ બોટલો સાથે વાસદ પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખળભળાટી મચી જવા પામી છે.

વાસદ પોલીસની ટીમ મંગળવારે નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેશનલ હાઈવે નં.૪૮ પર આવેલા વાસદ ટોલનાકા નજીકથી મધ્ય રાત્રિના સુમારે એક સફેદ કલરની સ્વીફટ ડિઝાયર કાર વડોદરા તરફથી આવી ચઢતા પોલીસે શંકાને આધારે તેને અટકાવી હતી.
પોલીસે કારચાલકને દરવાજાનો કાચ ઉતારવા કહેતા અંદરથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂની વાસ આવતા પોલીસે કારની તલાશી લીધી હતી. જેમાં કારની પાછળની સીટ અને ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ-૨૨૮ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.

જેની અંદાજિત કિં.રૂા.૧,૭૭,૩૦૦ જેટલી થવા જાય છે. પોલીસે કાર ચાલકના નામઠામ અંગે પૂછતા તે સંજયભાઈ ધીરજલાલ ચાવડા અને પાછળ બેઠેલો શખ્સ સુધિરકુમાર ધીરજલાલ ચાવડા હોવાનું જણાવ્યું હતું અને બંને સગા ભાઈ હોવાનું ખુલ્યું હતું.
જો કે કાર ચાલકની વધુ પૂછપરછ કરતા સંજયભાઈ ચાવડા વલસાડ જિલ્લાના પારડીના રહેવાસી અને નાના પોંડરા પોલીસ મથકમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બંને ભાઈઓને અટકમાં લઈ વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે વલસાડના મોતીવાડાના નરેશભાઈ રામુભાઈ કોળીપટેલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
જેથી વાસદ પોલીસે નાના પોંડરા પોલીસ મથકના પોલીસ કર્મચારી સંજય ચાવડા, તેનો ભાઈ સુધીર ચાવડા અને દારૂ વેચાણ માટે આપનારા નરેશ કોળીપટેલ વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.