ભાટ ટોલ ટેક્સ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર આધેડનું મોત થયું હતું
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતમાં બનાવ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે રિંગરોડ ઉપર ભાટ ટોલ ટેક્સ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર આધેડનું મોત થયું હતું. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે મથામણ શરૂ કરી હતી.

ગાંધીનગર શહેરના પહોળા માર્ગો હોય કે આસપાસના હાઇવે માર્ગો છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો અહીં વધી રહ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનની બનાવોમાં ચિંતાજનક રીતે વધારો જણાઈ આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે શહેર નજીક આવેલા સરદાર પટેલ રિંગ રોડ ઉપર ભાટ ટોલટેક્સ પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં બાઈક સવાર આધેડનું મોત થયું છે.
જે ઘટના સંદર્ભે ચાંદખેડામાં આવેલી શિવ શક્તિ નગર વસાહતમાં રહેતા સુરેશકુમાર બેચરભાઈ રાવતે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રિના સમયે તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમની ભત્રીજી જ્યોતિનો ફોન આવ્યો હતો અને તેના પિતાને નાના ચિલોડા એપોલો સર્કલ પાસે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું.
જેથી સુરેશભાઈ અને તેમનો પુત્ર અહીં પહોંચ્યા હતા અને જોયું તો તેમના ભાઈ પ્રવીણભાઈ રાવત મૃત અવસ્થામાં પડયા હતા અને તેમની બાજુમાં તેમનું બાઈક પણ પડયું હતું. કોઈ અજાણ્યો વાહન ચાલક તેમને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે પરંતુ ફરાર થઈ ગયેલા વાહન ચાલકો પકડાયા નથી.