હવે અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું? ગુજરાત પર તેની શું થશે અસર?
બંગાળની ખાડીમાં વાવાઝોડા બાદ હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સર્જાતી હોવાનું હવામાનના ગ્લોબલ મૉડલો દર્શાવી રહ્યાં છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ તથા તામિલનાડુમાં સૌથી વધારે નુકસાન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.
યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ દર્શાવી રહ્યાં છે. આ સિસ્ટમ આગળ વધીને કદાચ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.
જો આ સિસ્ટમ વાવાઝોડું બની તો અરબી સમુદ્રમાં સર્જાનારું તે ત્રીજું વાવાઝોડું હશે. આ પહેલાં બે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાઈ ચૂક્યાં છે અને ચોમાસા પહેલાં બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું.
આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેની આગાહી હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી નથી અને હજી બંગાળની ખાડીનું વાવાઝોડું વિખેરાઈ જાય તે બાદ જ સ્પષ્ટ ચિત્ર જોવા મળશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં.
મિગજોમ વાવાઝોડાએ કેવી તબાહી સર્જી
મિગજોમ ચક્રવાતનું ગઈકાલે ચિનાઈ શહેરમાં લેન્ડફૉલ થયું હતું.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલમાં મુજબ, ચક્રવાતને કારણે તમિલનાડુના ચેન્નઈમાં અલગ-અલગ ઘટનાઓમાં છ લોકોનાં મોત થયાં છે અને એક ઝાડ પડવાને કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.
તમિલનાડુમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.
ભારતીય હવામાનવિભાગે જણાવ્યું છે કે, ચક્રવાત નબળું પડીને મધ્ય તટીય આંદ્ર પ્રદેશ પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
ચેન્નઈમાં ચક્રવાતી તોફાન મિગજોમને કારણે ઘણા વિસ્તારોમાં ગંભીર અસર થઈ છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો અને જે વિસ્તારો જળસ્તરની નજીક છે ત્યાં વરસાદનું પાણી ઘરોમાં ઘૂસ્યું છે.
આ તોફાનને કારણ ચેન્નાઈમાં છેલ્લાં આંઠ વર્ષનો સૌથી વધારે વરસાદ થયો છે.
સામાન્ય રીતે તોફાન ચાલતું રહે છે, પરંતુ મિગજોમ વાવાઝોડા દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ હતી કે આ વાવાઝોડું સ્થિર રહ્યું હતું.
આ વાવાઝોડું લગભગ 18 કલાક સુધી ચેન્નઈ નજીક બંગાળની ખાડીમાં રહ્યું હતું. તે દરમિયાન એટલે કે સોમવારે સવારથી રાતના 9 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો.
એટલું જ નહીં વાવાઝોડાની ઝડપ પણ ઘણી ઓછી હતી. જેના કારણે ચેન્નઈમાં ભારે વરસાદ થયો છે. હવામાનવિભાગે જણાવ્યું હતું કે 10 થી 18 કિમી પ્રતિ કલાકની સામાન્ય ગતિ ધીમી થઈને માત્ર 7 કિમી પ્રતિ કલાક થઈ હતી અને લગભગ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે અટકી હતી.
આ સિસ્ટમ વાવાઝોડું બની તો ગુજરાતને અસર કરશે?
ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદનો માહોલ શરૂ થયો છે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.
બંગાળની ખાડીનું વાવાઝોડું વિખેરાઈ ગયા બાદ રાજ્યમાં પણ કમોસમી વરસાદ બંધ થઈ જશે અને ફરીથી હવામાન શુષ્ક થવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડું આવે તેવી શક્યતા દેખાતી નથી, જે મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે સિસ્ટમ આગળ વધશે પરંતુ તે રાજ્ય પર જ આવશે તેવું નક્કી નથી.
હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે તે પ્રમાણે અરબી સમુદ્રના દક્ષિણમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે. પરંતુ તેમાં આગળ કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે મજબૂત બનશે કે નહીં.
બંગાળની ખાડીનું મિગજોમ વાવાઝોડું વિખેરાયા બાદ જ અરબી સમુદ્રની સિસ્ટમ વિશે પૂરતી માહિતી મળી શકશે.
જો આ સિસ્ટમ થોડી મજબૂત બની લૉ પ્રેશર એરિયા બને અને પછી આગળ વધી મહારાષ્ટ્ર કે અરબી સમુદ્રના મધ્યમાં પહોંચે તો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ હાલ આ મામલે આગાહી કરવી વહેલી ગણાશે.
ભારતના દરિયામાં સર્જાયેલું મિગજોમ વાવાઝોડું એ આ વર્ષનું છઠ્ઠું વાવાઝોડું હતું, બંગાળની ખાડીમાં આ વર્ષે ચાર અને અરબી સમુદ્રમાં આ વર્ષે બે વાવાઝોડાં સર્જાયાં છે.
Cyclone Michaung : વાવાઝોડાને કારણે ચેન્નઈ જળબંબાકાર, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા
ગુજરાતમાં ફરી હવામાન પલટાશે?
હાલની સ્થિતિ પ્રમાણે એકાદ દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે પરંતુ તે બાદ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રિજનમાં કેટલાક વિસ્તારોમાં 5 ડિસેમ્બરના રોજ છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. તે બાદ વરસાદ પડે તેવી શક્યતા નથી.
તાજેતરમાં અરબેયિન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે ના કે કુદરતી પરિબળો.