સરકારી યોજનાઓના લાભ અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારી સુપેરે નિભાવીએ : સાંસદશ્રી મિતેષભાઇ પટેલ
સરકારી યોજનાઓ : આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી
સાંસદશ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો – બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
સાંસદશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાના લાભો અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારીને સુપેરે નિભાવવાની સાથે જિલ્લાના તુટેલા રસ્તાઓને તાત્કાલિક ધોરણે રીપેર કરવા તથા બાકી કામો ઝડપથી શરૂ કરીને સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપી હતી. તેમણે જિલ્લામાં પ્રગતિ હેઠળના અને હાથ ધરવા પાત્ર કામો જેવાં કે, રસ્તાઓ, પાણી-પુરવઠા, વીજળી, સફાઈ, બાંધકામ, આવાસ યોજના જેવી વિવિધ બાબતોએ વિસ્તૃત સમીક્ષા કરીને આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા બદલ સંબંધિત તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સાંસદશ્રી દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઇ, ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી મહેક જૈન, આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી જિગ્નેશભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.