વડોદરાની 17 વર્ષીય સમિધા સાયકલ પર શ્રીનગર થી કન્યાકુમારી આજે રાત્રે પહોંચી
- અંડર-18 માં વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરશે
- 16 જાન્યુઆરીએ શ્રીનગર થી રવાના થઈ હતી
- કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસનું વિઘ્ન હતું
ADVERTISEMENT - આજે સવારે કન્યાકુમારી થી 160 કિલોમીટર દૂર હતી
વડોદરામાં ધોરણ 12 આર્ટસમાં ભણતી 17 વર્ષીય સમિધા સાયકલ પર 16 જાન્યુઆરીથી શ્રીનગરથી કન્યાકુમારી જવા નીકળી છે, અને આજે રાત્રે કન્યાકુમારી પહોંચી જશે. આજે સવારે તે કન્યાકુમારીથી 160 કિલોમીટર દૂર હતી. કન્યાકુમારી પહોંચતા સમિધા અંડર-18 માં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. અત્યાર સુધીમાં શ્રીનગર થી કન્યાકુમારી 3676 કિલોમીટરનું અંતર 16-17 દિવસમાં કાપીને અંડર-18 માં સાયકલ પર કોઈએ વર્લ્ડ રેકોર્ડ કર્યો નથી.
સમિધાના પિતા કલ્પેશભાઈના કહેવા અનુસાર તારીખ 16 ની બપોરે 1 વાગે તે શ્રીનગરના લાલ ચોકથી રવાના થઈ હતી. હું મારી પત્ની તથા મારા મિત્ર કારમાં તેની પાછળ પાછળ છીએ. અત્યાર સુધીની યાત્રા સરસ રહી છે પરંતુ યાત્રા ચાલુ કરી ત્યારે કાશ્મીરમાં સખત ઠંડી હતી. એ પછી પંજાબ અને હરિયાણામાં પણ ભારે ઠંડીને લીધે ગાઢ ધુમ્મસ હતું. ઝીરો વિઝીબીલીટી હતી. પાંચ ફુટ પણ દૂર જોઈ શકાય તેવું ન હતું. આવી પરિસ્થિતિમાં તેને સાયકલિંગ કરવું અઘરું હતું, છતાં પણ તે રાત્રે એક વાગ્યે પણ સાયકલિંગ કરતી અને રોજનું 250 થી 300 કિ.મી સાયકલિંગ કરવાનો જે ટાર્ગેટ હતો તે પૂર્ણ કરતી હતી.
હવામાન લીધે યાત્રા પૂર્ણ કરવામાં ડીલે થયું છે, પરંતુ તેણે વચ્ચે વધુ સાયકલિંગ ખેંચીને પૂર્ણ કરવા પ્રયાસ કર્યો હતો. વર્લ્ડ અલ્ટ્રા સાયકલિંગ એસોસિએશનમા આ રેકોર્ડનું તેમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેનના કહેવા અનુસાર 17 વર્ષીય સમિધાએ વડોદરાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન આ વિદ્યાર્થિનીને કોઈ તકલીફ ન પડે તે માટે તેમના દ્વારા આરોગ્ય ભારતીય સંસ્થાનું માર્ગદર્શન અને સહયોગ મળે તે પ્રમાણે વ્યવસ્થા કરાઈ હતી. વડોદરાની ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી શાળામાં ભણતી સમિધા આમ તો શ્રીનગરથી કન્યાકુમારી સાયકલિંગનો સોલો વિશ્વ વિક્રમ મહારાષ્ટ્રના 45 વર્ષીય પ્રીતિ મશ્કે એ આશરે 11 દિવસમાં નોંધાવ્યો છે તે બ્રેક કરવા પ્રયત્નશીલ હતી પરંતુ તે શક્ય બન્યું નહીં.