હપ્તા સમયસર ભરી દેવાની વાતો કરીને શિક્ષિકાના આધારકાર્ડ, પાનકાર્ડ, સીમકાર્ડ અને ફોટાના આધારે નાણાં મેળવી લીધા હતાં
Gandhinagar : ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતી શિક્ષિકાની માંદગી વખતે પાડોશી ધર્મ નિભાવ્યા બાદ શિક્ષિકાના નામે રૃપિયા ૨૭.૬૫ લાખ જેટલી રકમ વિવિધ ફાઇનાન્સ કંપની પાસેથી મેળવી લીધા પછી યુવક રફુચક્કર થઇ ગયનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. તેણે હપ્તા સમયસર ભરી દેવાની વાતો કરીને શિક્ષિકાના આધારકાર્ડ, પાનકાર્ડ, સીમકાર્ડ અને ફોટાના આધારે નાણાં મેળવી લીધાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે.
આદર્શ નિવાસી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં અને રાયસણ વિસ્તારમાં રહેતા બીનાબા ખાચર દ્વારા ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અગાઉ તેની પાડોશમાં જ મતલબ કે બાજુના ફ્લેટમાં રહેતા નિરવ ચંપકલાલ પંચાલ નામના શખ્સનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા પુરાવાના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે બીનાબાને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓના સમયમાં નિરવે પાડોશી તરીકે ઘણી મદદ કરી હતી. જેના પગલે પારિવારિક સંબંધ થયા હતાં.
દરમિયાન નિરવે તેને બે દિકરીઓ હોવાનું જણાવી જીવન નિર્વાહ માટે નાણાની જરૃરત હોવાનું કહી શિક્ષિકાના નામે લોન લેવા અને હપ્તા પોતે ભરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જેના પગલે નિરવે જુદી જુદી બેંકમાં ખાતા ખોલાવી લેવાની સાથે શિક્ષિકાના આધારકાર્ડ, પાનકાર્ડ, સીમકાર્ડ અને ફોટાના આધારે ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન મેળવી લીધી હતી. આ ઉપરાંત ખાનગી ફાઇનાન્સ કંપનીનું ક્રેડિટ કાર્ડ પણ લઇ લીધુ હતું. તેનો ઉપયોગ કરીને ઇલેકટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. બાદમાં લોનના હપ્તા ભરવા માટે શિક્ષિકાના ફોનમાં મેસેજ આવવા લાગ્યા હતાં. બીજી બાજુ નિરવ પંચાલ મકાન ખાલી કરીને અન્યત્ર રહેવા ચાલ્યો ગયો હતો. આખરે શિક્ષિકા દ્વારા નિરવ પંચાલ સામે રૃપિયા ૨૭.૬૫ લાખની છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.