ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ : શક્તિસિંહ ગોહિલ
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. દારુબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. દારૂબંધીના કારણે રાત્રે બે-ત્રણ વાગ્યે દીકરી એકલી ઘરે જઈ શકે છે. બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગ નાખે છે.
કામદાર અવળા રસ્તે નહીં જાય અને આઉટપુટ સારું મળશે તેવા હેતુથી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપે છે. કોંગ્રેસ સરકારમાં સૌથી વધારે સાચું મૂડી રોકાણ આવ્યું તો ગુજરાત હતું. 1992નો સમય ક્યારેય ન ભૂલી શકાય છે. એશિયાની સૌથી બે કંપનીઓ જામનગરમાં આવી. આખો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો.
વધુમાં શક્તિસિંહે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે ત્યાં દારૂની છૂટ, ત્યાં રેસિડેન્સિયલ એરિયા પણ છે. કોઈ દારૂ પીને પકડાશે અને કહેશ કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છે એટલે છૂટ. રાજ્યમાં પોલીસ દ્વારા ચાલતી હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ.
રાજ્યના યુવાનોની બુદ્ધિમતતા અને કૌશલ્યના કારણે તેઓ ઈંગ્લેન્ડ, આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં ત્યાંના યુવાનો કરતા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. ત્યાં હોટેલ અને કંપનીઓના માલિક બને છે. આ યુવાનને તમે દારુના રવાડે ચડાવીને છૂટ આપીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. મારી આ વાત યોગ્ય લાગતી હોય તો રાજ્ય સરકાર પોતાનો નિર્ણય મૂલતવી રાખે.