ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબેન વસાવા અને PA સહિત 3 આરોપીઓ 91 દિવસે જામીન મુક્ત થયા
ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબેન વસાવા અને PA સહિત 3 આરોપીઓ 91 દિવસે જામીન મુક્ત થયા છે. ધારાસભ્યના પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકશે. PA ને પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. વન કર્મી પર હુમલાના કેસમાં તમામ 10 આરોપીઓને જામીન મળ્યા છે.
દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના AAP ઉમેદવાર ચૈતર વસાવા ગુરૂવારે જેલમુક્ત થયા બાદ આજે તેમના પત્ની, PA સહિત 3 આરોપીઓને પણ 91 દિવસે શરતોને આધીન જામીન મળ્યા હતા. નર્મદા જિલ્લામાં દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબેન, PA જીતેન્દ્ર વસાવા સહિત 10 આરોપીઓ સામે વન કર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતનો ગુનો નોંધાયો હતો.
જે ગુનામાં 3 નવેમ્બરે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, PA જીતેન્દ્ર વસાવા સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. ગુરૂવારે 45 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલમુક્ત થયા હતા.
નર્મદા સેશન્સ કોર્ટે આજે શુક્રવારે 91 દિવસથી જેલમાં રહેલા ધારાસભ્યના પત્ની શકુતલાબેન, પી.એ. જીતેન્દ્ર અને અન્ય એક આરોપીને પણ શરતી જામીન પર મુક્ત કર્યા હતા. દેડિયાપાડા ધારાસભ્યની પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકેનો કોર્ટે જામીનની શરતોમાં ઉલ્લેખ કર્યો છે. જ્યારે પી.એ. ને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમવાઈ છે. આ કેસમાં અગાઉ ધારા સભ્ય સહિત 7 આરોપીને જામીન મળી ચુક્યા છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે તેમના પત્ની શકુંતલા વસાવા પણ 3 મહિનાથી જેલમાં હતા. જયારે બીજા પત્ની વર્ષા વસાવા અને તેમના બાળકો બોગજ ગામે રહેતા હતા. ત્યારે વર્ષા વસાવાને ચૈતર વસાવાના બાળકો પૂછતાં હતા કે મમ્મી પપ્પા ક્યારે આવશે ત્યારે વર્ષાબેન બાળકોને કહેતા કે 4 કે 5 દિવસમાં આવી જશે.
પછી જ્યારે 5 દિવસ વીતી ગયા પછી ફરી બાળકો સવાલો કરતા ત્યારે આ 3 મહિના વર્ષાબેનને બાળકોને સાચવવામાં ઘણી તકલીફો પડતી હતી. તેમને કેવી રીતે સમજાવવા તે ખૂબ કઠીન હતું, પણ હવે જયારે બંને જણા જેલમુક્ત થયા છે. ત્યારે બાળકો પણ ખૂબ ખુશ થયા છે અને હવે પરિવાર સાથે રહીશું તેમ વર્ષા વસાવાએ જણાવ્યું હતું.