છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હોવા છતાંય તે દારૂનો સપ્લાય કરી રહ્યો છે.
વડોદરા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના અધિકારી તથા કર્મચારીઓના મોબાઇલનું લોકેશન મેળવી રેડ ફેઇલ કરવાના બનાવમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બૂટલેગર પરેશ ઉર્ફે ચકાને રાજ્યની પોલીસ પકડી શકતી નથી. છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હોવા છતાંય તે દારૂનો સપ્લાય કરી રહ્યો છે. પરંતુ, પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી છે.

શહેર નજીકના સેવાસી ગામ તરફ જતી કેનાલ નજીક ઝાયડસ પાછળ દારૂનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે બે મહિના પહેલા દરોડો પાડયો હતો. પોલીસને જોતાં જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે (૧) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપ અગ્રવાલ (દારૂ મંગાવનાર) (૨) કાલુ ઉર્ફે કાલુ ટોપી સંદરદાસ (દારૂની હેરોફેરીનો મુખ્ય આરોપી) (૩) શૈલેષ અંબાલાલ મહિડા (પીક અપ વાનનો ડ્રાઇવર) અને (૪) મુકેશ બ્રિજલાલ ઉદાસી (દારૂની ગાડી ખાલી કરનાર)ને ઝડપી પાડયા હતા.
પોલીસે દારૂની ૧૫૮ પેટીઓ અને પાંચ વાહનો મળી કુલ ૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પણ પરેશ ઉર્ફે ચકાની સંડોવણી બહાર આવી હતી. પરંતુ, પોલીસ હજી તેને પકડવામાં નિષ્ફળ રહી છે.
આ કેસને બે મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવાછતાંય આ કેસની તપાસ કરતી જવાહર નગર પોલીસે હજી વોન્ટેડ આરોપી પરેશ ચૌહાણનું ધરપકડ વોરંટ પણ કોર્ટમાંથી મેળવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ભરૂચના બહુચર્ચિત જાસૂસી કાંડમાં પણ પરેશ ચૌહાણની સંડોવણી હતી. આ અંગે ગુનો દાખલ થયાને એક વર્ષ ઉપરાંત થઇ ગયું છે.
તેમ છતાંય પોલીસને આરોપી મળતો નથી. ત્યારે બીજી બાજુ પરેશ ઉર્ફે ચકાનો દારૂનો ધંધો ચાલી જ રહ્યો છે. પરેશ દારૂ સપ્લાય કરી રહ્યો છે. પરંતુ, તે હજી પકડાતો નથી. પોલીસને આવી કામગીરીના કારણે સ્થાનિક પોલીસને બૂટલેગરો ગાંઠતા નથી. વોન્ટેડ હોવા છતાંય દારૂની હેરાફેરી કરે છે.