વીરા તલાવડી ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડભોડા પોલીસે વીરા તલાવડી ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વીરા તલાવડી ગામની પ્રાથમિક શાળા પાછળ બેટરીનાં અજવાળે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા છે. આ હકીકતનાં આધારે પોલીસ ટીમ વીરા તલાવડી ગામ પહોંચી જઈ વિસ્તારને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. ટીમે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
જેના પગલે પોલીસે અહીં જુગાર રમતા મેદરા ગામના સાહિલ રણછોડભાઈ ગોહેલ, નિલેશ પ્રભાતજી ગોહિલ, વિરા તલાવડી ગામના વિષ્ણુ હર્ષદજી મકવાણા અને સોનાડા ગામના સંજય શામળભાઈ પટેલને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.