વાઇબ્રન્ટ સમિટના કારણે ફ્લાઇટના ભાડાંમાં તોતિંગ વધારો: મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર વધીને રૂપિયા 20 હજાર
ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટના આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટને પગલે દિલ્હી, મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટના એરફેર વધીને રૂપિયા 20 હજાર જેટલા થઇ ગયા છે.
દિલ્હી-અમદાવાદનું એરફેર રૂ.13 હજાર
વાઇબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદથી દિલ્હી, મુંબઇ જતી ફ્લાઇટના એરફેર સામાન્ય રીતે વધારે જોવા મળતા હોય છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 4100ની આસપાસ હોય છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો છે તેના અગાઉના દિવસે દિલ્હી-અમદાવાદનું મહત્તમ વન-વે એરફેર રૂપિયા 13 હજાર થઇ ગયું છે. આ જ રીતે મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર વધીને રૂપિયા 20500 છે. સામાન્ય રીતે આ એરફેર રૂપિયા 2500થી રૂપિયા 3 હજાર જેટલું હોય છે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન માંધાતા ઉદ્યોગપતિઓ તેમજ નાના-મોટા બિઝનેસમેન પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. જેના કારણે એરફેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇ, દિલ્હી ઉપરાંત બેંગાલુરુ, ચેન્નાઇ, હૈદરાબાદથી પણ અનેક બિઝનેસ હાઉસના પ્રતિનિધિઓ-બિઝનેસમેન વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે.