વઘાસી ગામ નજીકના સર્વિસ રોડ ઉપરથી આણંદ ગ્રામ્ય પોલીસે ગુરૂવારે રાત્રે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડયો
આણંદ : નેશનલ હાઈવે નં.૪૮ પર આવેલા આણંદ તાલુકાના વઘાસી ગામ નજીકના સર્વિસ રોડ ઉપરથી આણંદ ગ્રામ્ય પોલીસે ગુરૂવારે રાત્રે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂની ૩૨ નંગ પેટી તથા કાર મળી કુલ રૂ.૬.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સામરખા ચોકડીથી ચિખોદરા ચોકડી થઈ વઘાસી ગામ તરફ એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થનાર હોવાની બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ નેશનલ હાઈવે નં.૪૮ના સર્વિસ રોડ ઉપર વઘાસી ગામના ગેટ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

દરમિયાન બાતમીમાં વર્ણવ્યા મુજબની કાર ત્યાં આવી ચઢતા પોલીસે તેને અટકાવી હતી અને કારમાં સવાર શખ્સને નીચે ઉતારી તેના નામઠામ અંગે પુછપરછ કરતા તે ધર્મેન્દ્રસિંહ રમેશભાઈ ચૌહાણ (રહે.રામપુરા બંગલે, રાસનોલ, તા.જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા વચ્ચેની સીટમાં તથા પાછળની ડેકીમાં વિદેશી દારૂની સીલબંધ બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા.
જેથી પોલીસે વિદેશી દારૂની હેરફેર કરવાનું તેમજ પોતાના કબજા ભોગવટામાં રાખવા બદલનું પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂની ૩૨ પેટી (બોટલ નંગ-૩૮૪) અંદાજિત કિંમત રૂ.૧૯૨૦૦૦, કાર તેમજ અંગજડતીમાંથી મળેલો મોબાઈલ મળી કુલ રૂ.૬,૯૭,૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
તેમજ ઝડપાયેલા શખ્શની પુછપરછ કરતા રાજસ્થાન ખાતે રહેતા મિત્ર મુકેશ ડામોરે કણજરી બ્રીજ નીચેથી આ વિદેશી દારૂ ભરેલી કાર આપી હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ કાર પણ મુકેશ ડામોરની જ હોવાનું જણાવ્યું હતું. જો કે આ વિદેશી દારૂનો જથ્થો કોને આપવાનો છે તે બાબતે પૂછપરછ કરતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણે ગલ્લાંતલ્લાં કર્યા હતા.
પોલીસે કુલ રૂ.૬.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.