ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર રામમંદિરના સમારોહનું જીવંત પ્રસારણ કરાશે, PM મોદી કરશે દેશને સંબોધન
Ayodhya Ram Mandir News | સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભાજપે કહ્યું છે કે તે સમગ્ર દેશમાં બૂથ સ્તરે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરશે
પીએમ મોદી સંબોધન કરશે
આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે. ભાજપે કહ્યું છે કે તે સમગ્ર દેશમાં બૂથ સ્તરે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરશે. એક અહેવાલ અનુસાર ભાજપના કાર્યકર્તાઓને આ સમારોહના જીવંત પ્રસારણ માટે બૂથ સ્તર પર મોટી સ્ક્રીન લગાવવાની સૂચના આપવામાં આવી છે.
દરેક લોકો નિહાળી શકે તે માટે વ્યવસ્થા
સૂત્રોએ કહ્યું કે આ રીતે સામાન્ય લોકો રામલલ્લાના દર્શન કરી શકશે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પણ નિહાળી શકશે. આ સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી સમારોહની તૈયારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમણે જે ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તેની વિગતવાર માહિતી પણ માંગી છે.