રાધનપુરમાં શનિવારે એસટી બસ સ્ટેશનથી ભાભર તરફ જવાના માર્ગ ઉપર લાલબાગ વિસ્તારના પાછળના ભાગે વીજ કંપની દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરમાં બપોરે અચાનક શોર્ટ સર્કિટ થતા આજુબાજુમાં બાવળોની ઝાડીમાં આગ લાગી હતી
રાધનપુરમાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટનાં કારણે ઝાડીમાં આગ લાગી હતી. રાધનપુર શહેરમાં શનિવારે એસટી બસ સ્ટેશનથી ભાભર તરફ જવાના માર્ગ ઉપર લાલબાગ વિસ્તારના પાછળના ભાગે વીજ કંપની દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરમાં બપોરે અચાનક શોર્ટ સર્કિટ થતા આજુબાજુમાં બાવળોની ઝાડીમાં આગ લાગી હતી. થોડી વારમાં આગ બે કાબુ બનતા ટ્રાન્સફોર્મર નીચે પડેલા કચરામાં આગ પ્રસરતા આગનાં જ્વાળા અને કાળા ધુમાડા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. આગને કારણે આસપાસના દુકાનદારોમાં અફડા તફડી મચી જવા પામી હતી.

આગની ઘટનાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે વીજ કંપનીની કચેરીમાં જાણ થતાં વીજ કર્મીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. સદનસીબે આગને લઇ કોઇ દુર્ઘટના ના સર્જાતાં લોકોએ રાહત અનુભવી હતી. રાધનપુર શહેરમાં વીજ પોલ ઉપર વીંટળાયેલા વેલ તેમજ ડીપી નજીક ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા વીજ કંપની દ્વારા દૂર કરાવવાની કામગીરી જો સમયસર કરાય તો આવી દુર્ઘટના રોકી શકાય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. UGVCL ની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા હતા.